ગૂગલે નવી કન્ટેન્ટ ઈન્ફોર્મેશન નીતિનો અમલ કરવાની જાહેરાત કરી છે. જેથી હવે યુઝર્સ ધારે તો ગૂગલ સર્ચમાંથી નામ-નંબર-સરનામા જેવી અંગત માહિતી દૂર કરી શકશે. એ માટે ગૂગલને એક વિનંતી કરવાની રહેશે. આ નવી પોલિસી 11મી મેથી અમલમાં આવશે. સર્ચ એન્જિન ગૂગલે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, ગૂગલ સર્ચ દરમિયાન યુઝર્સના નામ-નંબર-સરનામાની વિગતો દેખાતી હશે તો તેને નવી પ્રાઈવસી કન્ટેન્ટ પોલિસી અંતર્ગત દૂર કરી શકાશે. ગૂગલે કહ્યું હતું કે, હવે જમાના સાથે સારી વ્યક્તિગત અને અંગત માહિતી મેળવવાની જરૂરિયાત ઉભી થઈ છે. જો યુઝર્સ નામ-નંબર-ઈમેઈલ આઈડી, સરનામું જેવી વિગતો સર્ચના રીઝલ્ટમાંથી દૂર કરવા ઇચ્છશે તો એક વિનંતી કરવાથી એ તે દૂર કરી શકશે. જોકે, એ માહિતીનું ગૂગલ પરીક્ષણ કરશે અને ખરેખર સંવેદનશીલ જણાશે તો દૂર કરશે. જો કોઈ સરકારી દસ્તાવેજોમાં એ વિગતો દેખાતી હશે કે કોઈ યુઝર્સની માહિતી જાહેર થઈ હશે તો તેને દૂર કરાશે નહીં. હોસ્ટિંગ સાઈટમાં એ વિગતો દેખાતી હશે અને ગૂગલ રિક્વેસ્ટ સ્વીકારીને એ વિગતો સર્ચ એન્જિનમાં આવતી અટકાવે તેમ છતાં અન્ય સર્ચ એન્જિનમાં તો એ દેખાશે. આવી સ્થિતિમાં જે તે હોસ્ટિંગ વેબસાઈટમાંથી જ એ વિગતો હટાવવાનો વિકલ્પ રહેશે. ઘણાં સમયથી યુઝર્સ ગૂગલને નવી કન્ટેન્ટ પોલિસી માટે રજૂઆત કરતા હતા. લાંબાં સમયની વિચારણા પછી ગૂગલે નવી કન્ટેન્ટ ઈન્ફોર્મેશન પોલિસી લાગુ પાડવાની જાહેરાત કરી છે.