ન્યૂઝીલેન્ડે ભારત સામેની બીજી ટેસ્ટમાં ક્રાઇસ્ટચર્ચ ખાતે વિના વિકેટે 32 રન કર્યા છે. ટોમ લેથમ 11 રને અને ટોમ બ્લેન્ડલ 14 રને રમી રહ્યા છે. ભારત ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ક્રાઈસ્ટચર્ચ ખાતે 242 રનમાં ઓલઆઉટ થયું છે. ભારત માટે હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા અને પૃથ્વી શોએ ફિફટી ફટકારતા અનુક્રમે 55, 54 અને 54 રન કર્યા હતા.
જોકે નિયમિત અંતરે વિકેટ ગુમાવતા ટીમ ઇન્ડિયા પ્રથમ દિવસે 63 ઓવરમાં ઓલઆઉટ થઇ હતી અને 250 રનનો આંક વટાવી શકી નહોતી. મયંક અગ્રવાલ, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા. ન્યૂઝીલેન્ડ માટે કાઇલી જેમિસને 5, ટિમ સાઉથી અને ટ્રેન્ટ બોલ્ટ 2-2 અને નીલ વેગનરે 1 વિકેટ લીધી હતી.
ભારતનો એકસમયે સ્કોર 194/4 હતો. જોકે વિહારી અને પુજારા આઉટ થતા ટીમ ધાર્યા કરતા ઓછા સ્કોરમાં ઓલઆઉટ થઇ હતી. મોહમ્મદ શમી 16 અને જસપ્રીત બુમરાહ 10*એ અંતિમ વિકેટ માટે 26 રનની ભાગીદારી કરી હતી. અંતિમ 6માંથી 4 વિકેટ જેમિસને લીધી હતી. પોતાની બીજી ટેસ્ટમાં તેણે કરિયરમાં પહેલીવાર એક ઇનિંગ્સમાં 5 વિકેટની સિદ્ધિ પોતાના નામે કરી છે.
પૃથ્વી શોએ ભારતને શાનદાર શરૂઆત અપાવતા કરિયરની બીજી ફિફટી મારી હતી. તેણે 64 બોલમાં 8 ફોર અને 1 સિક્સની મદદથી 54 રન કર્યા હતા. જોકે મયંક અગ્રવાલ, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેએ નિરાશ કર્યા હતા અને ટીમ ઇન્ડિયાએ શોએ અપાવેલી શરૂઆતનો ફાયદો ઉઠાવ્યો ન હતો. મયંક 7, કોહલી 3 અને રહાણે 7 રને પેવેલિયન ભેગા થયા હતા.
113 રનમાં 4 વિકેટ ગુમાવતા ભારત જલ્દી મેચની બહાર થઇ જશે તેમ જણાતું હતું. ત્યારબાદ ચેતેશ્વર પુજારા અને હનુમા વિહારીએ પાંચમી વિકેટ માટે હાથ મિલાવતા 81 રનની ભાગીદારી કરી હતી. વિહારીએ કરિયરની ચોથી ફિફટી ફટકારતા 70 બોલમાં 10 ફોરની મદદથી 55 રન કર્યા હતા. જ્યારે પુજારાએ કરિયરની 25મી અને ન્યૂઝીલેન્ડમાં પ્રથમ ફિફટી ફટકારતા 140 બોલમાં 6 ફોરની મદદથી 54 રન કર્યા હતા.