નવી દિલ્હીમાં જી-20 લીડર્સ સમીટમાં ભાગ લેવા માટે આવેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો તેમના વિમાનમાં રવિવારે સાંજે ટેકનિકલ ખામીને કારણે આશરે 48 કલાક સુધી ભારતમાં અટવાયાં હતાં. વિમાનમાં ટેકનિકલ ખામીને કારણે ટ્રુડોએ સેન્ટ્રલ દિલ્હીની તેમની હોટેલમાં પરત જવું પડ્યું હતું. ટ્રુડો રવિવાર, 10 સપ્ટેમ્બરે ભારત છોડવાના હતાં, પરંતુ આખરે મંગળવાર, 12 સપ્ટેમ્બરે પરત ગયાં હતાં.
મીડિયા રીપોર્ટ મુજબ ઇટાલી થઈને બીજું વિમાન મંગળવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર ઉતરવાનું હતું, પરંતુ તેને પછીથી યુકે તરફ ડાઇવર્ટ કરાયું હતું. યુનાઇટેડ સ્ટેટ્સના બ્રોડકાસ્ટર સીબીએસ ન્યૂઝે જણાવ્યું હતું કે અનશિડ્યુલ ડાયવર્ઝન માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી.
સદનસીબે તેમનું પહેલું વિમાન રિપેર થઈ ગયું હતું અને તેઓ કેનેડા જવા માટે નીકળ્યાં હતાં. તેમના કાર્યાલયના નિવેદનમાં જણાવાયું હતું કે વિમાનની તકનીકી સમસ્યા હવે ઉકેલાઈ ગઈ છે. વિમાનને ઉડવા માટે મંજૂરી આપવામાં આવી છે.
કેનેડાના વડાપ્રધાનના વિમાનનું શું થયું હતું તેની તાકીદે કોઇ સ્પષ્ટતા મળી ન હતી. સોમવારે તેમની ઓફિસે માત્ર એટલું જ કહ્યું હતું કે સમસ્યાઓ રાતોરાત ઉકેલી શકાતી નથી અને સ્થિતિ પ્રવાહી છે. કેનેડિયન સશસ્ત્ર દળોએ કેનેડિયન પ્રતિનિધિમંડળને ઘરે પહોંચાડવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો ચાલુ રાખ્યા છે. કેનેડા સરકારની ખાલિસ્તાની તત્વો પ્રત્યેની સહાનુભૂતિ વચ્ચે ટ્રુડોનું ભારતમાંથી વિલંબિત પ્રસ્થાન થયું હતું.
