ફ્રન્ટલાઈન પર કામ કરતા એનએચએસ ડૉક્ટરનો બોરિસ જ્હોન્સનને ખુલ્લો પત્ર

0
408

ફ્રન્ટલાઈન પર કામ કરતા એનએચએસના બ્રિટિશ-ભારતીય ડો. મિનેશ ખાસુએ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને કોરોનાવાયરસ કટોકટી બાબતે બુધવારે તા. 22ના રોજ ‘ડેઇલી મિરર’માં એક ખુલ્લો પત્ર લખી આગ્રહ કર્યો હતો કે “સારી ભંડોળવાળી અને સક્ષમ આરોગ્ય અને સામાજિક સંભાળ પ્રણાલી દ્વારા “ફ્રન્ટલાઈન હેલ્થ વર્કરોને” મદદ કરવી જોઇએ. મેડિક્સને હીરોની જેમ પૂજવામાં આવે છે પરંતુ તેમને મૂળભૂત સુવિધાઓની વધારે જરૂર છે. આપણે વિવિધ સ્તરે નિષ્ફળ ગયા છીએ તેની સંપૂર્ણ તપાસ કરવી જરૂરી છે.’’

ડો. ખાસુએ આ કટોકટીના નિયંત્રણ બાબતે પ્રકાશ પાડતા જણાવ્યુ હતુ કે ‘’જર્મનીએ ટેસ્ટ પર પકડ મેળવી લીધી છે જ્યારે યુકે ખૂબ પાછળ રહી ગયું. કોવિડ-19 કટોકટી પછી બધા જાગૃત થઈ ગયા છે. પરંતુ અમને ખરેખર કામ કરવા માટે સારી ભંડોળવાળી સિસ્ટમ અને પાયાની સુવિધાઓ જોઇએ છે. કોવિડ કેસોની દેખરેખ રાખવા હોસ્પિટલો અને વિસ્તૃત એમ્બ્યુલન્સ ક્ષેત્રને બદલે, શરૂઆતમાં સશસ્ત્ર દળો અને રીઝર્વ દળોનો વ્યૂહાત્મક ઉપયોગ કરવાની જરૂર હતી. સશસ્ત્ર દળના જવાનો અને હોસ્પિટલોનો ઉપયોગ કોવિડ કેસોને સામાન્ય લોકોથી અલગ રાખવા માટે આદર્શ તક હતી અને તો વધુ સારી કામગીરી કરી શકાઇ હોત.’’

ડૉ. મિનેશ ખાસુએ જણાવ્યુ હતુ કે ‘’આ પ્રકાશિત ખુલ્લા પત્રને વ્યક્તિગત સ્તરે જારી કરવામાં આવ્યો હતો કારણ કે તેઓ યુદ્ધ જેવા રોગચાળાના “નુકસાનકારક” સમીકરણને પડકારવા માંગતા હતા. નિર્ણય લેવા અંગે કોઈ પારદર્શિતા અને ચર્ચા કર્યા વગર સિસ્ટમને આદેશ અને નિયંત્રણ આપવાની સત્તા આપવામાં આવી  છે. જેને કારણે લોકો હોસ્પિટલમાં કોઈ નજીકના અથવા પ્રિય લોકોની ગેરહાજરીમાં મૃત્યુ પામે છે. શા માટે કોઈને સંપૂર્ણ પી.પી.ઈ. પહેરીને મૃત્યુ પામનાર પત્ની કે માતાપિતાની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવતી નથી?”

ડૉ. ખાસુએ જણાવ્યુ હતુ કે “જે રીતે પી.પી.ઇ.નું સંચાલન કરવામાં આવ્યું છે અને કેર હોમ્સને કતલખાનામાં ફેરવી દેવામાં આવ્યા છે તે જોતા તમારા કેબિનેટ સાથીદારોની સાચી માફીનો અભાવ પ્રવર્તે છે.”

તેમણે જ્હોન્સનના એનએચએસના સંદેશની પ્રશંસા કરી તેમના સગર્ભા સાથી કેરી સાયમન્ડ્સને તંદુરસ્તીની શુભેચ્છા પાઠવતા જણાવ્યુ હતુ કે ‘’ મેં હંમેશાં તમારી બુદ્ધિ, નિર્ણાયકતા અને સમજાવટની શક્તિની પ્રશંસા કરી છે. તમારા હોસ્પિટલના ડિસ્ચાર્જ વિડિઓ સંદેશામાં દેખાયેલા નિર્દોષતા અને સરળ, અસલ અને નિષ્ઠાવાન શબ્દો ઘણા લોકોએ અગાઉ જોયા નથી: જે એક નેતામાં હોવા ખૂબ જરૂરી છે અને આશા છે કે તે આવતા વર્ષોમાં તે તમારી મદદ કરશે.”