corona virus and world

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે આજે તા. 23ના ગુરૂવારના રોજ ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જાહેર કર્યુ હતુ કે ‘’ કોરોનાવાયરસને વાયરસને નિયંત્રણમાં લાવવા માટે ‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રેસ’ યોજના અંતર્ગત લાખો કી વર્કર અને તેમના પરિવારોના તા. 24થી કોરોનાવાયરસનો ટેસ્ટ ઑનલાઇન બુક કરાવી શકશે અથવા પોતાના એમ્પ્લોયર દ્વારા ઓર્ડર આપી શકશે. અત્યાર સુધી આ સ્વેબ્સ ટેસ્ટ હોસ્પિટલના દર્દીઓ અને એનએચએસ સ્ટાફ માટે જ મર્યાદિત હતો.

હેનકોકે શરૂ કરેલી આ યોજના અંતર્ગત સરકાર દ્વારા વ્યાપક લોકોના ટેસ્ટ કરવામાં આવશે અને તેના પરિણામ ટેક્સ્ટ દ્વારા આપવામાં આવશે. દર્દીઓના સંપર્કોનુ પણ ટ્રેસિંગ શરૂ થશે. જેથી યુકેમાં ફાટી નીકળેલા વાયરસના ચેપના સાચા કદને જાણી શકાય.

કી વર્કરમાં શિક્ષકો, સામાજિક કાર્યકરો, સુપરમાર્કેટ સ્ટાફ, લૉરી ડ્રાઇવરો, જાહેર પરિવહન સ્ટાફ, બેન્કરો, પોસ્ટલ કામદારો, બિન કલેકટર્સ અને યુટીલીટી વર્કર તેમજ તેમના સૌના પરિવારજનો પણ ટેસ્ટ માટે લાયક રહેશે. ઇન્સ્ટીટ્યુટ ફોર ફિસ્કલ સ્ટડીઝના જણાવ્યા મુજબ બ્રિટનમાં આવા કી વર્કરની સંખ્યા 7.1 મિલિયનની છે અને તેમાંના 42 ટકા લોકોના ઓછામાં ઓછા એક બાળકની વય 16 વર્ષથી ઓછી છે.

મેટ હેનકોકે બ્રિટિશ મુસ્લિમોના પવિત્ર મહિના રમઝાનનો આજે પ્રારંભ થાય છે ત્યારે કોરોનાવાયરસના કારણે લોકડાઉન હોવાના કારણે સાંપ્રદાયિક પ્રાર્થનાઓ અને ઇફ્તાર ભોજન બંધ છે ત્યારે ‘રમઝાન મુબારક કહી આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે મુસ્લિમોની સેવા અને ‘બલિદાન’ બદલ પ્રશંસા કરી તેમનો આભાર માન્યો હતો. તેમણે ધાર્મિક નેતાઓ અને મુસ્લિમોને સામાજિક અંતર જાળવવા વિનંતી કરી હતી. હાલમાં યુકેમાં ચર્ચો, મંદિરો, સિનેગોગ સાથે મસ્જિદોને બંધ કરી દેવામાં આવી છે અને પ્રાર્થના વગેરે બંધ છે.

તેમણે કહ્યું, હતુ કે ‘આ રમઝાન માસમાં, ઘણા મુસ્લિમો જેઓ એનએચએસ અને સશસ્ત્ર દળોમાં અને અન્ય ઘણી રીતે દેશની સેવા કરે છે, તેઓ આ મહિને પોતાની ખુશી શેર કરી શકશે નહીં. હું બધા બ્રિટિશ મુસ્લિમોનો ઘરે રોકાવા બદલ આભાર માનુ છુ.’’

યુકેમાં ટેસ્ટ માટે 31 સ્થળો છે અને ટૂંક સમયમાં બીજા ટેસ્ટ સેન્ટર શરૂ કરાશે. આ મહિનાના અંત સુધીમાં લગભગ 50 ડ્રાઈવ-થ્રૂ સાઇટ્સ તૈયાર થઈ જશે, જેમાં 38 પહેલેથી જ ખુલી છે.

આર્મી અને એમેઝોન બંનેને ટેસ્ટમાં મદદ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. સૈનિકો યુકેમાં મોબાઇલ ટેસ્ટ યુનિટ કેર હોમ્સમાં લઇ જશે જ્યા હોમના રહેવાસીઓ અને સ્ટાફની તપાસ કરાશે. એમેઝોનના ડિલિવરી ડ્રાઇવરો લોકોના ઘરોમાં સ્વેબ પહોંચાડશે. લંડન, કોવેન્ટ્રી, કાર્ડીફ અને બ્રાઇટનમાં ખાલી ટેસ્ટ સેન્ટર્સની તસવીરો જાહેર થયા પછી મેટ હેન્કોકની સાંસદોએ ટીકા કરી હતી.

ડ્રાઇવ થ્રુ ટેસ્ટ કેન્દ્ર એપોઇન્ટમેન્ટના આધારે ચાલે છે અને તે સોમવારથી શુક્રવાર સવારે 9થી સાંજ 4 સુધી ચાલે છે. પરીક્ષણ દરમિયાન વ્યક્તિ કારમાં રહે છે અને સ્વેબ આપે છે. ટ્રાફિકના પ્રવાહને નિયંત્રિત કરવામાં આવે છે અને જાહેર જનતા અને સ્ટાફની સલામતી માટે સેન્ટરના તમામ સ્ટાફ પી.પી.ઇ. પહેરે છે.

આવતા અઠવાડિયે ગુરુવાર સુધીમાં દેશમાં દરરોજ 100,000 ટેસ્ટ કરવાના લક્ષ્યાંકને પહોંચી જવાશે. પરંતુ પાછલા 24 કલાકમાં 23,560 ટેસ્ટ કરાયા હતા પરંતુ તેની ક્ષમતા 50,000 થી વધુ છે.