સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મધ્ય પ્રદેશમા રાજકીય પારો ગરમાયો હતો. મધ્ય પ્રદેશમાં ફ્લોર ટેસ્ટ પહેલા જ મુખ્યપ્રધાન કમલનાથે પ્રૅસ કૉન્ફરન્સ કરીને રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે. રાજીનામું આપવાની જાહેરાત કરતા પહેલા કમલનાથે બીજેપી પર આકરા પ્રહારો કર્યા હતા. કમલનાથે કહ્યુ કે, બીજેપીને કામ કરવા માટે 15 વર્ષ મળ્યા હતા, મને 15 મહિના મળ્યા છે. લોકો બીજેપીને ક્યારેય માફ નહીં કરે. એમપીના મુખ્યમંત્રી કમલનાથે પ્રૅસ કૉન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, “15 મહિનામાં અમે ખેડૂતો માટે ખૂબ કામ કર્યું છે.

અમે ખેડૂતોના દેવા માફી માટે અનેક પગલાં ભર્યાં છે. રાજ્યમાં બીજેપીને 15 વર્ષ મળ્યા હતા. મને ફક્ત 15 મહિના મળ્યાં છે. જેમાંથી અઢી મહિના લોકસભા ચૂંટણી અને આચાર સંહિતામાં પસાર થયા હતા. આ 15 મહિનામાં રાજ્યનો દરેક નાગરિક સાક્ષી છે કે મેં કેટલું કામ કર્યું છે. પરંતુ બીજેપીને અમારું આ કામ પસંદ પડ્યું ન હતું અને તેણે સતત અમારી વિરુદ્ધ કામ કર્યું હતું.” મધ્ય પ્રદેશ વિધાનસભામાં કુલ 230 બેઠક છે. જેમાંથી બે ધારાસભ્યોના નિધનથી બે બેઠક ખાલી પડી છે. આ રીતે કુલ બેઠકની સંખ્યા 228 છે.

જેમાંથી કૉંગ્રેસના બળવાખોર 22 ધારાસભ્યોના રાજીનામા સ્પીકરે મંજૂરી કરી દીધા છે. આ રીતે 206 ધારાસભ્યો બચે છે. સરકારે બહુમત સાબિત કરવા માટે 104 ધારાસભ્યની જરૂરી છે. જોકે, કૉંગ્રેસ પાસે ફક્ત 92 ધારાસભ્ય છે. કમલનાથ સરકારને સમર્થન આપી રહેલી સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી અને અપક્ષ ધારસભ્યોની સંખ્યા કુલ સાત પર પહોંચે છે.

જો તમામને જોડી લેવામાં આવે તો આ સંખ્યા 99 પર પહોંચે છે. એટલે કે બહુમત માટે પાંચ સંખ્યા ખૂટે છે. જ્યારે બીજેપી પાસે 107 ધારાસભ્યો છે. જોકે, તેઓ ફક્ત 106 ધારાસભ્યોનો દાવો કરે છે. રાજ્યપાલ સામે પરેડમાં 106 ધારાસભ્યો સામેલ થયા હતા. પાર્ટીએ પોતાના ધારાસભ્ય નારાયણ ત્રિપાઠીનું નામ આ યાદીમાં સામેલ નથી કર્યું.

ત્રિપાઠી જુલાઈમાં દંડ વિધિ સંશોધન બિલ પર કમલનાથ સરકારના પક્ષમાં ક્રૉસ વોટિંગ કરી ચુક્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મધ્ય પ્રદેશ વિધાનસભા સચિવાલયે મોડી રાત્રે કાર્યસૂચી જાહેર કરી છે. કાર્યસૂચી પ્રમાણે બપોરે બે વાગ્યે વિશ્વાસ પ્રસ્તાવ પર મત વિભાજન થશે. સુપ્રીમ કોર્ટે સાંજે પાંચ વાગ્યા સુધી સરકારને બહુમત સાબિત કરવાનો સમય આપ્યો છે.