વડા પ્રધાન બોરીસ જ્હોન્સને જાહેરાત કરી હતી કે, શનિવાર તા. 13થી, ઇંગ્લેન્ડમાં એકલા રહેતા લોકો, પુખ્ત વયની એક વ્યક્તિ “સપોર્ટ બબલ” તરીકે એક બીજાના ઘરે રોકાઈ શકશે અને બીજાના ઘરે રાત વિતાવી શકશે. જેનો અર્થ એ છે તે ઘરમાંના કોઇ પણ સભ્યને કોવિડ-19ના લક્ષણો વિકસિત થશે તો તે ઘરના બધા સભ્યોએ સેલ્ફ આઇસોલેટ થવું પડશે. આ પરિવર્તનનો હેતુ એકલતાનો સામનો કરતા લોકોને મદદ કરવાનો છે અને નિયમોમાં થોડી વધુ રાહત આપવા માટે આ મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધી માત્ર છ જણાને ઘરની બહાર બીજાના ઘરે ગાર્ડનમાં એકત્ર થવાની મંજૂરી આપવામાં આવી છે.
બોરીસ જ્હોન્સને જણાવ્યું હતું કે “સપોર્ટ બબલમાંના બધા લોકો જાણે કે એક જ ઘરના સભ્યો છે તેમ માનવાનું રહેશે અને તેવુ જ વર્તન કરવાનું રહેશે. એટલે કે તે એક વ્યક્તિ એક બીજાના ઘરની અંદર એક સાથે સમય પસાર કરી શકશે અને બે મીટર દૂર રહેવાની જરૂર નથી. આ સપોર્ટ બબલ વિશિષ્ટ હોવા આવશ્યક છે, એટલે કે તમે જે ઘરના બબલમાં છો તે ઘરને બદલી શકશો નહિં અથવા ઘણાં ઘરવાળાઓ સાથે કનેક્ટ થઈ શકશો નહિ. ગંભીર આરોગ્યની સ્થિતિ ધરાવતા જે લોકોને આવા સપોર્ટ બબલમાં ન જોડાવાની સલાહ છે.
યુકે સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વૉલેન્સે જણાવ્યું હતું કે ‘’ચેપ લાગવાનો R રેટ એકથી નીચેના સ્તરે હોવાથી આ મંજૂરી આપવામાં આવી છે. રોગચાળો ઘટતો જાય છે, પરંતુ તે ઝડપી નથી. દર્દીઓની સંખ્યા નીચે આવી રહી છે પરંતુ હજી બહુ ઓછી નથી. જીવલેણ વાયરસથી યુકેના લોકોની મૃત્યુની સંખ્યા 41,000 વટાવી ગઈ છે.