અમદાવાદમાં સાબરમતી નદી પર મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અત્યારે 36 મીટર ઊંચો પુલ બાંધવાનું કામ ચાલી રહ્યું છે, જે 12 માળની ઈમારતની ઊંચાઈ સમાન છે. આ પુલ 480 મીટર સુધી લાંબો છે અને તે પશ્ચિમ રેલવેની અમદાવાદ-દિલ્હી મેઈન લાઇનની બાજુમાં છે, જે લગભગ 14.8 મીટર ઊંચી છે. આઈઆરસી (ઈન્ડિયન રોડ્સ કૉન્ગ્રેસ) માર્ગદર્શિકા અનુસાર ટોચના બાંધકામ બિંદુથી 5.5 મીટરની ફરજિયાત ઊભી ક્લિયરન્સ જાળવવા માટે, સાબરમતી નદીના પુલના થાંભલાની વધારેલી ઊંચાઈ સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે.

કુલ આઠ (08) વર્તુળાકાર થાંભલા, જેમનો વ્યાસ 6 થી 6.5 મીટર છે તે બનાવવામાં આવ્યા છે. તેમાંથી ચાર (04) નદીના પટમાં છે, બે (02) નદીના કિનારાઓ પર (દરેક બાજુએ એક) છે અને બે (02) નદીના કિનારા બહાર આવેલ છે. પુલને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે થાંભલાની વ્યૂહાત્મક જગ્યાએ સ્થાપનાથી નદીના પાણીના પ્રવાહમાં ઓછામાં ઓછી અડચણ પડે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં મોટાભાગના નદીના પુલમાં સામાન્ય રીતે આશરે 40 મીટરના ટૂંકા સ્પાન હોય છે, જ્યારે આ પુલમાં 50 થી 80 મીટર સુધીના લાંબા સ્પાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી નદીના પટમાં થાંભલાની સંખ્યા ઘટાડવામાં આવે.

આ પુલમાં કુલ 5 સ્પાન દરેક 76 મીટરના અને 2 સ્પાન દરેક 50 મીટરના છે. દરેક સ્પાનમાં 23 સેગમેન્ટ હોય છે જે સાઇટ પર કાસ્ટ ઈન-સિતુ પદ્ધતિથી બનાવવામાં આવે છે. આ સેગમેન્ટનું કાસ્ટિંગ અત્યંત ચોકસાઈથી કરવું જરૂરી છે. આ પુલ બેલેન્સ્ડ કૅન્ટિલિવર પદ્ધતિનો ઉપયોગ કરીને બાંધવામાં આવી રહ્યો છે, જે ઊંડા પાણી અને નદીઓ પરના લાંબા સ્પાનવાળા પુલ માટે યોગ્ય એવી વિશિષ્ટ બાંધકામ તકનિક છે. આ પદ્ધતિનો તાત્પર્ય એ છે કે પુલની નીચે પાલખી લગાવ્યા વિના પુલનું બાંધકામ કરવામાં આવે છે અને દરેક થાંભલા પરથી ડાબી અને જમણી બાજુના સેગમેન્ટોને ક્રમશઃ જોડીને, પોસ્ટ-ટેન્શનિંગ અને સંતુલન દ્વારા પુલનો સુપરસ્ટ્રક્ચર પૂર્ણ કરવામાં આવે છે. આ રીતે સતત અને સ્થિર પુલનો ડેક તૈયાર થાય છે. ગુજરાતમાં યોજના મુજબના 21 નદીના પુલોમાંથી 16 પુલ પૂર્ણ થઈ ચૂક્યા છે.

LEAVE A REPLY