ભારતમાં ફેફ્સાના કેન્સરની સારવાર માટે ગુજરાત રાષ્ટ્રીય કેન્દ્ર તરીકે ઊભરી રહ્યું છે. અહીં છેલ્લા 5 વર્ષમાં 4,397 દર્દીઓને જીવનદાન મળ્યું છે. અમદાવાદ સ્થિત ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) રાજ્યની આ પ્રતિબદ્ધતાનું કેન્દ્ર છે, જ્યાં છેલ્લા 5 વર્ષમાં ફેફસાનું કેન્સર ધરાવતા હજારો દર્દીઓને અત્યાધુનિક સારવાર મળી છે. ફેફસાના કેન્સરની સારવાર માટે દર્દીઓ ગુજરાતને પ્રાથમિકતા આપી રહ્યા છે. 2020થી 2024 દરમિયાન GCRI ખાતે કુલ 4,397 ફેફસાના કેન્સરના દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. જેમાં 3,597 પુરુષો, 799 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ થાય છે. વર્ષવાર આંકડાઓની વાત કરીએ તો રાજ્યમાં 2020માં 700, 2021માં 813, 2022માં 865, 2023માં 933 અને વર્ષ 2024માં સૌથી વધુ 1086 દર્દીઓએ ફેફસાના કેન્સરની સારવાર લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, દેશના અન્ય રાજ્યોથી આવેલા 1426 ફેફસાના કેન્સરના દર્દીઓને પણ ગુજરાતમાં ઉપલબ્ધ અત્યાધુનિક તબીબી સુવિધાઓને કારણે જીવનદાન મળ્યું છે. આનાથી એ સાબિત થાય છે કે ગુજરાત માત્ર રાજ્યના નાગરિકો માટે જ નહીં, પરંતુ દેશભરના દર્દીઓ માટે એક વિશ્વસનીય મેડિકલ સેન્ટર તરીકે ઊભર્યું છે.

1 ઓગસ્ટ, વર્લ્ડ લંગ કેન્સર ડે નિમિત્તે GCRIના ડિરેક્ટર ડૉ. શશાંક પંડ્યાએ જણાવ્યું હતું કે , “ફેફસાના કેન્સર સામે સૌથી મોટું શસ્ત્ર જાગૃતિ છે. સમયસર તપાસ, તમાકુનો ત્યાગ અને પ્રારંભિક ચેતવણી સંકેતોની ઓળખ અનેક જિંદગીઓ બચાવી શકે છે. અમે દરેક દર્દીને અત્યાધુનિક નિદાન અને સર્વાંગી સંભાળ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ.”

GCRI આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર સાયબરનાઇફ, ટ્રુ બીમ લીનિયર એક્સિલરેટર, ટોમોથેરેપી અને રોબોટિક સર્જરી જેવી અદ્યતન તકનીકો અને નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ (NGS), PET-CT, PSMA સ્કેન અને 3 ટેસ્લા MRI જેવા હાઈ-રિઝોલ્યુશન ઉપકરણોના માધ્યમથી કેન્સરની સારવાર આપી રહી છે.

LEAVE A REPLY