અમેરિકામાં ગત ગુરુવારે પૂર્વના દરિયાકાંઠે ભારે વરસાદને કારણે અનેક ફલાઇટોનું સંચાલન ખોરવાયું હતું. આ ઉપરાંત ફિલાડેલ્ફિયાથી ન્યૂયોર્ક શહેર સુધી વ્યસ્ત હાઇવે પર પાણીમાં ફસાયેલા વાહનચાલકોને બચાવવા માટે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ન્યૂયોર્કમાં પણ સાંજના વ્યસ્ત સમયે અચાનક આવેલા પૂરને કારણે મુખ્ય માર્ગો થોડા સમય માટે બંધ થઇ ગયા હતાં અને મેટ્રોપોલિટન પ્રદેશના રેલવે સ્ટેશનો પાણીમાં ડૂબી ગયા હતાં.
પૂરનું પાણી વધવાને કારણે લોન્ગ આઇલેન્ડ જતી એક ટ્રેનના પ્રવાસીઓને ફાયર ડીપાર્ટમેન્ટના કર્મચારીઓએ સુરક્ષિત રીતે બહાર કાઢયા હતાં. લોન્ગ આઇલેન્ડ અને ન્યૂજર્સીની અન્ય ટ્રેનો રદ્ કરવામાં આવી હતી. ભારે પૂરને કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાઇ ગયા હોવાથી ફિલાડેલ્ફિયા અને વિલમિંગટન, ડેલાવેરની વચ્ચે ટ્રેનો રોકવામાં આવી હતી. ન્યૂયોર્કના મેટ્રો સ્ટેશનોમાં પાણી ભરાઇ ગયા હતાં. ન્યૂજર્સીમાં ભારે વરસાદના કારણે વીજ પૂરવઠો ખોરવાતા 20 હજારથી વધુ લોકો 24 કલાક સુધી વીજળીથી વંચિત રહ્યાં હતાં. ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ન્યૂયોર્ક, ન્યૂજર્સી, વોશિંગ્ટન અને ફિલાડેલ્ફિયાના એરપોર્ટ પર અનેક ફલાઇટ્સ રદ્ કરવામાં આવી હતી. હવામાન વિભાગે વોશિંગ્ટન, બાલ્ટીમોર, ફિલાડેલ્ફિયા અને ન્યૂયોર્ક શહેર માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ હતું.

LEAVE A REPLY