ટેરિફને કારણે આર્થિક સંબંધોમાં તણાવ વચ્ચે 25થી 29 ઓગસ્ટ દરમિયાન વેપાર વાટાઘાટો માટેની અમેરિકાના પ્રતિનિધિમંડળની ભારત મુલાકાતને રદ કરાઈ છે અને તેનું સમયપત્ર નવેસરથી નક્કી કરાશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. આ ટીમ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો આગળ વધારવાની હતી.
અગાઉ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદ્યા પછી વેપાર વાટાઘાટો કરવાનો પણ ઇનકાર કર્યો હતો.
એક અમેરિકન અધિકારીએ માહિતી આપી હતી કે આ મુલાકાત કદાચ પછીથી યોજવામાં આવશે. અત્યાર સુધી ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અંગે પાંચ રાઉન્ડની વાટાઘાટો પૂર્ણ થઈ છે. છઠ્ઠા રાઉન્ડની વાટાઘાટો યોજાવાની હતી, પરંતુ હવે તે મુલતવી રાખવામાં આવી છે.
આ બેઠક મુલતવી રાખવી એ ભારત માટે મોટો ફટકો છે. અમેરિકા ભારતના કૃષિ અને ડેરી ક્ષેત્રોને વધુ ખુલ્લા મુકવાની માગણી કરી રહ્યું છે, પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે તેના ખેડૂતોના હિત સાથે સમાધાન કરશે નહીં. ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને જો આવી સ્થિતિમાં અમેરિકન બજાર ભારતના કૃષિ બજારમાં પ્રવેશ કરશે તો તેનાથી ભારે આર્થિક નુકસાન થશે.
