અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશને હવે એક નવી ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણીમાં ગ્રીનકાર્ડ ધારકોને મહેમાન જેવું વર્તન કરવા અથવા દેશનિકાલ થવાનું જોખમ લેવા કહેવાયું છે. દેશમાંથી ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને સામૂહિક દેશનિકાલ કરવાની કાર્યવાહી દરમિયાન આપવામાં આવેલી આવી ચેતવણીના કારણે કાયદેસરના નિવાસીઓમાં મોટી ચિંતા વ્યાપી છે. યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS) દ્વારા તાજેતરમાં સોશિયલ મીડિયા એક્સ (ટ્વિટર) પર ગ્રીનકાર્ડ ધારકોને જણાવવામાં આવ્યું હતું કે, અમેરિકામાં તેમના રોકાણની કોઇ ગેરંટી નથી. USCISના જણાવ્યા મુજબ, જો કોઇ, ગ્રીનકાર્ડ ધારકથી રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો જણાશે તો તેના રોકાણને રદ્ કરવામાં આવશે.
આ ચેતવણી વર્તમાન દેશનિકાલની પ્રક્રિયા અંતર્ગત આપવામાં આવી છે, જેનાથી કાયદેસરના કાયમી નિવાસીઓમાં ચિંતા વધી છે. USCIS દ્વારા એક પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, “દરેક વ્યક્તિએ આ બાબત ધ્યાનમાં રાખવી જોઇએ. જો તમે આ દેશમાં મહેમાન છો, તો તે રીતે વ્યવહાર કરો. રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સલામતીના જોખમોને જાણવા માટેનો અમારો સોશિયલ મીડિયા તપાસ કાર્યક્રમ ક્યારેય બંધ નથી હોતો. USCIS આપણા રાષ્ટ્ર અને આપણી જીવનશૈલી માટે ખતરારૂપ કોઈપણ બાબત ઓનલાઈન શોધવા માટે નજર રાખી રહ્યું છે.” એક મીડિયા રીપોર્ટ મુજબ, આ નવી ચેતવણી ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા ઇમિગ્રેશન સામે કરવામાં આવેલા કાર્યવાહીના પગલે આપવામાં આપવામાં આવી છે. એટલે કે, આવી કાર્યવાહી દેશમાં વસવાટ કરી રહેલા ફક્ત ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સુધી જ સીમિત રહેશે નહીં પરંતુ કાયદેસર રીતે રહેતા નિવાસીઓ સુધી પણ વધારવામાં આવશે.
