પહેલગામમાં થયેલા ત્રાસવાદી હુમલાના પગલે બંને દેશો વચ્ચે ઊભા થયેલા તણાવને કારણે ગુરુવારે પાકિસ્તાની એફએમ રેડિયો સ્ટેશનોએ ભારતીય ગીતોનું પ્રસારણ બંધ કર્યું હતું. આ અંગે પાકિસ્તાન બ્રોડકાસ્ટર્સ એસોસિએશન (પીબીએ)ના સેક્રેટરી જનરલ શકીલ મસૂદે જણાવ્યું હતું કે, “પાકિસ્તાન બ્રોડકાસ્ટર્સ એસોસિએશન (પીબીએ) એ તાત્કાલિક અસરથી દેશભરના પાકિસ્તાની એફએમ રેડિયો સ્ટેશનો પર ભારતીય ગીતોનું પ્રસારણ બંધ કર્યું છે.” આ એફએમ રેડિયો સ્ટેશનો દ્વારા દરરોજ ભારતીય ગીતો રજૂ કરવામાં આવતા હતા. તેમાં વિશેષમાં તો લતા મંગેશકર, મોહમ્મદ રફી, કિશોરકુમાર અને મુકેશ જેવા મહાન કલાકારોના ગીતો પાકિસ્તાનીઓમાં લોકપ્રિય છે.
પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ પ્રધાન અત્તા તરારએ પીબીએના આ નિર્ણયને આવકાર્યો હતો. એવી અટકળો પણ થઇ રહી હતી કે, સરકારે બંને દેશો વચ્ચેની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એસોસિએશનને તમામ એફએમ રેડિયો સ્ટેશનો પરથી ભારતીય ગીતોનું પ્રસારણ તાત્કાલિક અસરથી બંધ કરવા સૂચના આપી હતી.
22 એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં ત્રાસવાદીઓએ 26 લોકોને માર્યા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો.













