ભારતની કુલ નિકાસ વર્ષ 2024-25માં 825 બિલિયન ડોલરના રેકોર્ડ સ્તર પર પહોંચી હતી. સર્વિસીઝ સેક્ટરની નિકાસ પણ 13 ટકા વધીને 386.5 બિલિયન ડોલરના રેકોર્ડ સ્તર પર પહોંચી હતી, જેને કારણે કુલ નિકાસ નોંધપાત્ર વધી હતી. વૈશ્વિક વ્યાપારમાં અનેક પડકારો વચ્ચે પણ નિકાસ નોંધપાત્ર વધી હતી. રીઝર્વ બેંકે સર્વિસીઝ નિકાસના બાકી રહેલા ડેટા જાહેર કરતા 2024-25માં મર્ચન્ડાઈઝ (વસ્તુઓ) અને સર્વિસીઝ મળીને કુલ નિકાસ 824.9 બિલિયન ડોલર થઈ હતી. મંત્રાલયે અગાઉ 820.93 બિલિયન ડોલરની નિકાસનો અંદાજ આપ્યો હતો. વર્ષ 2023-24માં કુલ નિકાસ 778.13 બિલિયન ડોલર થઈ હતી, જેની સામે નિકાસ 6.01 ટકા વધી છે.

સર્વિસીઝ સેક્ટરની નિકાસ ઉછળીને 387.5 બિલિયન ડોલર થઈ હતી, જે અગાઉના વર્ષ 2023-24માં 341.1 બિલિયન ડોલર હતી. આમ, તેમાં 13.6 ટકાનો વધારો થયો હતો.
માર્ચમાં સર્વિસીઝની નિકાસ 18.6 ટકા વધીને 35.6 બિલિયન ડોલર થઈ હતી, જે ગત વર્ષે માર્ચમાં 30 બિલિયન ડોલર હતી. નિકાસમાં જે ક્ષેત્રનું નોંધપાત્ર યોગદાન રહ્યું તેમાં ટેલીકોમ, કમ્પ્યૂટર-ઈન્ફર્મેશન સર્વિસીઝ, ટ્રાન્સપોર્ટ, ટ્રાવેલ, ફાઈનાન્સિયલ સર્વિસીઝનો સમાવેશ છે. મંત્રાલયના ડેટા મુજબ નિકાસમાં વાર્ષિક ધોરણે 6.01 ટકાનો વધારો થયો છે.

આ અંગે ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન્સ (FIEO)ના એસ.સી. રલ્હાને કહ્યું હતું કે ડેટા દર્શાવે છે કે નિકાસ મજબૂત રહી છે. જોકે આ સાથે તેમણે કહ્યું કે આજની તારીખે અમેરિકા અને યુરોપમાંથી ઓર્ડરનું પ્રમાણ સારું નથી. અમેરિકાના આયાતકારો ટ્રેડ એગ્રીમેન્ટ થાય તેની રાહ જોઈ રહ્યા છે અને તેને કારણે દેશની નિકાસ પર અસર થઈ શકે છે.

LEAVE A REPLY