નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધની વિરુદ્ધમાં સોમવાર, 8 સપ્ટેમ્બરે યુવાનોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. કાઠમંડુમાં લાખ્ખો દેખાવકારોએ સંસદ ભવન તરફ કૂચ કરી હતી અને સંસદ સંકુલમાં ધુસ્યાં હતાં. આ પછી થયેલી હિંસક અથડામણમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતાં અને 250થી વધુ ઘાયલ થયાં હતાં. ગુસ્સે ભરાયેલા દેખાવકારોએ કર્ફ્યુ પ્રતિબંધો તોડીને સંસદ નજીકના પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ્યા બાદ નેપાળની રાજધાનીમાં આર્મી તૈનાત કરાઈ હતી. સમગ્ર દેશમાં અરાજકતા ઊભી થતા સરકારે શાળા-કોલેજો બંધ રાખવાનો અને 9-10-11 સપ્ટેમ્બરે યોજાનારી પરીક્ષાઓ મોકૂફ રાખવાનો આદેશ આપ્યો હતો.
પ્રદર્શનકારીઓએ ઝાડની ડાળીઓ અને પાણીની બોટલો ફેંકી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા પછી પોલીસે વોટર કેનન, ટીયરગેસ અને રબરની ગોળીઓનો ઉપયોગ કરી તેમને વિખેરી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. ધ કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ કેટલાંક પ્રદર્શનકારીઓ સંસદ પરિસરમાં પ્રવેશવામાં પણ સફળ રહ્યાં હતાં, જેના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી.
કાઠમંડુ જિલ્લા વહીવટી કાર્યાલયે શરૂઆતમાં રાજધાનીના બાણેશ્વર વિસ્તારમાં લાદવામાં આવેલા કર્ફ્યુને લંબાવ્યો હતો. પ્રેસિડન્ટ નિવાસસ્થાન (શીતલ નિવાસ), લૈનચૌરમાં વાઇસ પ્રેસિડન્ટનું નિવાસસ્થાન, મહારાજગંજ, સિંહ દરબારની બધી બાજુઓ, બાલુવાતારમાં વડાપ્રધાનનું નિવાસસ્થાન અને નજીકના વિસ્તારો જેવા ઘણા ઉચ્ચ-સુરક્ષા ઝોનમાં સરકારે પ્રતિબંધો લાદ્યા હતાં.
પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે ચલાવેલી રબર બુલેટથી બે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ હતાં. દરમિયાન નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીના વતન દમકમાં વિરોધ પ્રદર્શન હિંસક બન્યા બાદ અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો.
નેપાળના બીજા શહેરોમાં પણ દેખાવો થવા લાગ્યાં હતાં. પોખરામાં સ્થાનિક અધિકારીઓએ કર્ફ્યુ લાદ્યો હતાં. જોકે દેખાવકારોએ મુખ્યપ્રધાન કાર્યાલયને નુકસાન પહોંચાડ્યું હોવાના અહેવાલ હતાં. નેપાળના વડાપ્રધાન કેપી ઓલીએ આ બાબતે કેબિનેટની ઇમર્જન્સી બેઠક બોલાવી હતી.
નેપાળમાં, સરકારે 26 બિન-નોંધાયેલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને બ્લોક કર્યા પછી શુક્રવારથી ફેસબુક, યુટ્યુબ અને એક્સ સહિતની ઘણી સોશિયલ મીડિયા સાઇટ્સ બંધ થઈ હતી. તેનાથી યુઝર્સ વિફર્યા હતાં.
