લંડનમાં ભારતીય હાઈ કમિશન ખાતે વરિષ્ઠ બ્રિટિશ સંસદસભ્યો, ભારતીય સરકારના મંત્રીઓ, ડાયસ્પોરા નેતાઓ અને વિશાળ ભારતીય ડાયસ્પોરાએ ગૌરવપૂર્ણ સમારોહમાં શોક વ્યક્ત કરી કાશ્મીરના પહેલગામમાં થયેલા બર્બર આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 28 નિર્દોષ હિન્દુ પ્રવાસીઓને ગૌરવ અને ગંભીરતા સાથે ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી હતી.

લંડનમાં ભારતીય હાઇ કમિશનની બહાર ભારતીય મૂળના સેંકડો સમર્થકોએ એકઠા થઇ 22 એપ્રિલના રોજ પહેલગામ ખાતે કરાયેલા આતંકવાદી હુમલામાં મોતને ભેટેલા લોકોને પોતાનું  સમર્થન આપ્યું હતું.

ભારતીય હાઇ કમિશનર વિક્રમ દોરાઇસ્વામીએ તેમના હૃદયસ્પર્શી સંબોધનમાં જણાવ્યું હતું કે “ભારતને ડરાવવામાં આવશે નહીં. આ ફક્ત નિર્દોષ યાત્રાળુઓ પર હુમલો નથી. આ માનવતાના અંતરાત્મા અને ભારતના આત્મા પર હુમલો છે. કોઈ શંકા ન રાખો – ભારત ડરશે નહીં. આપણી લોકશાહી, આપણી વિવિધતા અને શાંતિ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા આતંકવાદી શક્તિઓ કરતાં ઘણી મજબૂત છે. આજે આપણે પીડિતોને યાદ કરીએ છીએ, અને તેમની યાદમાં, આપણે આપણા સંકલ્પનું નવીકરણ કરીએ છીએ.”

હાઈ કમિશનરે યુકે સરકાર અને લૉ મેકર્સનો તેમના સમર્થન બદલ આભાર માન્યો હતો અને ભૌગોલિક કે વાજબીપણાને ધ્યાનમાં લીધા વિના, તમામ સ્વરૂપોના આતંકવાદ સામે સંયુક્ત વૈશ્વિક વલણ અપનાવવા વિનંતી કરી હતી.

આ શ્રધ્ધાંજલિ સભામાં કેથરિન વેસ્ટ (સાંસદ), બોબ બ્લેકમેન (સાંસદ), કનિષ્ક નારાયણ (સાંસદ), બેરોનેસ વર્મા, લોર્ડ રેમી રેન્જર અને લોર્ડ રાવલ, કેન્દ્રીય સંસદીય બાબતોના રાજ્યમંત્રી એલ મુરુગન અને મહારાષ્ટ્રના સામાજિક ન્યાય મંત્રી સંજય શિરસાટ સહિત કેટલાક અગ્રણી બ્રિટિશ નેતાઓ હાજર રહ્યા હતા.

સભાને સંબોધતા બોબ બ્લેકમેને કહ્યું હતું કે “હું હિન્દુ ટૂરીસ્ટ્સ પર થયેલા જઘન્ય હુમલાની નિંદા કરું છું અને પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું. હું યુકે સરકારને ગુનેગારોને ઓળખવા અને તેમને નાબૂદ કરવામાં ભારતને ટેકો આપવા હાકલ કરું છું. જો આતંકવાદી નેટવર્કને તોડી પાડવા માટે લશ્કરી કાર્યવાહી જરૂરી હોય, તો યુકેએ ભારતની સાથે ઊભું રહેવું જોઈએ.”

મિનિસ્ટર કેથરિન વેસ્ટે નિંદાનો પડઘો પાડી સરહદ પાર આતંકવાદનો સામનો કરવા માટે આંતર-સરકારી સહયોગના મહત્વ પર ભાર મૂક્યો હતો.

મહારાષ્ટ્રના સામાજિક ન્યાય મંત્રી શ્રી સંજય શિરસાટ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ભારતથી આવેલા ઘણા લોકોમાં સામેલ હતા. તેમણે કહ્યું હતું કે “આપણું દુ:ખ શબ્દોની બહાર છે. પરંતુ આપણી તાકાત આપણી એકતામાં રહેલી છે, અને આજે આપણે એક વૈશ્વિક ભારતીય પરિવાર તરીકે અહીં ઉભા છીએ.”

આ પ્રસંગે પોતાનો ટેકો જાહેર કરવા ભારતીય ડાયસ્પોરાના સભ્યો મોટી સંખ્યામાં ભીરતીય હાઇ કમિશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેઓ મીણબત્તીઓ અને બેનરો લઈને આવ્યા હતા. હાફિઝ સઈદ માસ્ટરમાઇન્ડ 26/11; પ્રોફેશનલિઝમ એટ ધ બેસ્ટ – સર તન સે જુદા; પાકિસ્તાન હાઇ કમિશન હોસ્પિટાલિટી; વી વોન્ટ જસ્ટિસ; સ્ટોપ કિલિંગ પિલગ્રીમ્સ લખેલા પ્લેકાર્ડ્સ દર્શાવ્યા હતા.

આ સભામાં મૃતકોના આત્માની શાંતિ માટે એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને સનાતન ધર્મના મુખ્ય સિદ્ધાંતો  શાંતિ, એકતા અને કરુણા અને ભારતીય નૈતિકતાને જાળવી રાખવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

ઉપસ્થિત સૌએ “ભારતીય પ્રચારને નકારી કાઢવા”ના હેતુથી બ્રિટિશ પાકિસ્તાનીઓ દ્વારા આયોજિત એક નાના વિરોધ પ્રદર્શનને વખોડી કાઢ્યું હતું.

  • રિફોર્મ યુકેના ડેપ્યુટી લીડર રિચાર્ડ ટાઈસે આ વિરોધ પ્રદર્શનોનો એક વીડિયો શેર કરી લખ્યું હતું કે “જો આ ગાઝા નથી. તો તે ભારત વિરુદ્ધ પાકિસ્તાનનું સાંપ્રદાયિક રાજકારણ છે. જે લંડનની શેરીઓમાં લડાઈ રહ્યું છે. ભાઈઓ, આ બ્રિટન છે. તમારા રાષ્ટ્રીય વિવાદોને બીજે ક્યાંય લઈ જાઓ.”
  • પત્રકાર ઇસાબેલ ઓકેશોટે એક વીડિયો પોસ્ટ કરી કહ્યું હતું કે “ડઝનબંધ મેટ પોલીસ ભારતીય અને પાકિસ્તાની વિરોધીઓને અલગ કરવા માટે લડી રહી છે. કારણ કે તેઓ એકબીજાને ગાળો બોલી રહ્યા છે. યુકેની બહુસાંસ્કૃતિકતા એક આપત્તિ આવી રહી છે!”
  • જીબી ન્યૂઝે વિરોધ પર ધ્યાન કેન્દ્રિત કરીને “શું બહુસાંસ્કૃતિકતા નિષ્ફળ ગઈ છે?” શીર્ષક સાથેનો એક સેગમેન્ટ પ્રસારિત કર્યો હતો.

LEAVE A REPLY