ભારતના પહેલગામ ખાતે આતંકવાદી હુમલામાં મોતને ભેટેલા પીડિતોને હૃદયપૂર્વક અને ગૌરવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવા માટે, સનાતન યુથ વોઇસ યુકે દ્વારા લંડનના પિકાડિલી સર્કસ ખાતે કેન્ડલ માર્ચ અને પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નિર્દોષ મૃતકોના સન્માનમાં બે મિનિટનું મૌન પાળી મીણબત્તીઓ પ્રગટાવી પિકાડિલી સર્કસની આસપાસ શાંતિપૂર્ણ કૂચ કાઢવામાં આવી હતી. આ કૂચમાં ઘણા મુલાકાતીઓ અને દર્શકો સ્વયંભૂ રીતે કૂચમાં જોડાયા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી એકતા વ્યક્ત કરી હતી.
સાંજનું મુખ્ય આકર્ષણ પૂજ્ય રાજરાજેશ્વર ગુરુજીની હાજરી, સંબોધન અને ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્ર અને હનુમાન ચાલીસાના પાઠ હતા. તેમણે આ પ્રસંગે અનિષ્ટ પર સારાના વિજય માટે દૈવી આશીર્વાદ આપતા કહ્યું હતું કે “આજે આપણે પહેલગામના આતંકવાદી હુમલામાં દુ:ખદ રીતે પોતાનો જીવ ગુમાવનારાઓ માટે પ્રાર્થના કરીએ છીએ. આપણી પ્રાર્થના આપણી સામૂહિક ભાવનાને મજબૂત બનાવે છે અને આપણને સનાતન ધર્મના શાશ્વત સિદ્ધાંતો – શાંતિ, માનવતા અને એકતાની નજીક લાવે છે.”
આ કાર્યક્રમમાં પંડિત શિવપુરીજી મહારાજ, કાઉન્સિલર હિતેશ કારિયા, પૃથ્વી પટેલ, પરમજીત સિંહ કોહલી, રેડિયો પ્રેઝન્ટર રવિ શર્મા, પંડિત મયંક દવે, સનાતન યુથ વોઇસ યુકેના સભ્યો તથા મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
