ભારતના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર પીયૂષ ગોયલે તેમની બે દિવસની યુકેની મુલાકાત દરમિયાન ચાલુ મુક્ત વેપાર કરાર (FTA)ની વાટાઘાટોને આગળ વધારવા માટે યુકેના બિઝનેસ એન્ડ ટ્રેડ સેક્રેટરી જોનાથન રેનોલ્ડ્સ સાથે વાટાઘાટો કરી હતી અને શ્રી રેનોલ્ડ્સ સાથેની વાતચીતના પહેલા દિવસને “ઉત્પાદક” ગણાવ્યો હતો.

મંગળવારે મંત્રી શ્રી ગોયલ યુકેના ચાન્સેલર રેચલ રીવ્સ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરનાર છે. ભારત – યુકે વચ્ચેની વાટાઘાટો નજીકના સમયમાં પૂર્ણ થવાની અપેક્ષા રખાય છે અને અંતિમ કરાર સુધી પહોંચવાના પ્રયાસમાં વાટાઘાટોનો નવીનતમ રાઉન્ડ લંબાવવામાં આવ્યો છે.

પીયૂષ ગોયલે મંગળવારે બંને દેશોના અગ્રણી બિઝનેસ લીડર્સ અને સીઈઓને એકત્ર કરતી ભારત-યુકે બિઝનેસ રાઉન્ડટેબલને સંબોધિત કરી હતી. જેમાં તેમની સમક્ષ ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક રોકાણ તકો અને વધુ દ્વિ-માર્ગી ભાગીદારી સાથે નવીનતા-આધારિત વૃદ્ધિની સંભાવનાઓ વિશે રજૂઆત કરાઇ હતી.

ગોયલે રાઉન્ડ ટેબલ પછી કહ્યું હતું કે “ભારત અને યુકે વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત કરવા, નવીનતા-આધારિત વૃદ્ધિને વેગ આપવા અને રોકાણના માર્ગો વિસ્તૃત કરવાની તકો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.”

વડા પ્રધાન કેર સ્ટાર્મર અને યુકે ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ (DBT) ના પ્રવક્તાઓએ જણાવ્યું હતું કે “સરકાર ભારત સાથે યોગ્ય સોદો કરવા માટે પ્રતિબદ્ધ છે, જે યુકેના બિઝનેસીસ માટે ઍક્સેસ સુધારશે, ટેરિફ ઘટાડશે અને વેપારને સસ્તો અને સરળ બનાવશે.”

ભારતની મુલાકાતે ગયેલા રેનોલ્ડ્સે કહ્યું હતું કે ડીલ સુરક્ષિત કરવું તે લેબરની “ટોચની પ્રાથમિકતા” છે.

શ્રી ગોયલે આ ઉપરાંત યુકે સાથે વધુ સહયોગની સંભાવનાઓ શોધવા માટે વિવિધ વરિષ્ઠ ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરી દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

શ્રી ગોયલે સોમવારે રિવોલટ ચેર માર્ટિન ગિલ્બર્ટ સાથે ફિનટેક ફોકસ અને ડી બીયર્સ ગ્રુપના સીઈઓ અલ કૂક સાથે “જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાં વૈશ્વિક વલણો” પર ધ્યાન કેન્દ્રિત કરીને વાતચીત કરી હતી. ગિલ્બર્ટને મળ્યા પછી ગોયલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે “ભારતના ફિનટેક ઇકોસિસ્ટમમાં અપાર તકો છે અને નવીનતા તથા વૃદ્ધિને આગળ વધારવા માટે વૈશ્વિક ખેલાડીઓ સાથે ભાગીદારીના મહત્વ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું.”

શ્રી ગોયલે અલ કૂક સાથેની મુલાકાત વિશે જણાવ્યું હતું કે “અમે ભારતની તકો, સસ્ટેઇનેબલ પ્રેક્ટીસીસ અને હીરા ઉદ્યોગ માટે વૃદ્ધિની સંભાવનાઓ પર ચર્ચા કરી હતી.”

તેમની સાથે આવેલા CEO ના પ્રતિનિધિમંડળના સભ્યો ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI), સિનિયર વાઇસ-ચેરમેન અનંત ગોએન્કા અને ભૂતપૂર્વ પ્રમુખો હર્ષ સિંઘાનિયા અને રાજન ભારતી મિત્તલે પણ જરૂરી ચર્ચા વિચારણામાં ભાગ લીધો હતો.

ગોયલે જણાવ્યું હતું કે “ડીનર દરમિયાન ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળના સભ્યો સાથે વાતચીત કરવામાં આવી હતી અને આપણા ઉદ્યોગના મજબૂત વિકાસ અને પરસ્પર સમૃદ્ધિ માટે યુકે સાથે વધુ સહયોગ માટેના માર્ગો પર ચર્ચા કરી હતી.”

ભારત અને બ્રિટન બંને ટ્રમ્પ દ્વારા રજૂ કરાયેલા ટેરિફને સંબોધવા માટે યુએસ સાથે દ્વિપક્ષીય સોદા કરવા માંગે છે. આ પરિસ્થિતિએ લંડન અને નવી દિલ્હી બંનેમાં યુકે-ભારત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

થનારા કોઈપણ સોદામાં વ્હિસ્કી, કૃષિ અને કાર જેવા માલ પરના ટેરિફ તેમજ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો અને રોકાણો અંગેના નિયમોને આવરી લેવાની જરૂર પડશે. વ્હિસ્કી અને ઓટો સંબંધિત મુદ્દાઓ પહેલાથી જ ઉકેલાઈ ગયા હોવાની માહિતી છે. FTA અંતર્ગત ભારત-યુકે વચ્ચેનો વેપાર પ્રતિ વર્ષ અંદાજિત GBP 41 બિલિયન કરતાં પણ વધુ રકમનો થાય તેવી અપેક્ષા છે.

ભારતીય કામદારોને બ્રિટિશ સોસ્યલ સીક્યુરીટીમાં યોગદાનમાંથી મુક્તિ આપવાનો મુદ્દો એક અલગ સંધિમાં સંબોધવામાં આવશે એમ ગોયલે કહ્યું છે.

બ્રિટન અને ભારતે જાન્યુઆરી 2022માં શરૂ થયેલી વેપાર વાટાઘાટોને તેજ વર્ષની દિવાળી સુધીમાં પૂરી કરવાનો તત્કાલીન વડા પ્રધાન જૉન્સનનો હેતુ હતો. પણ તે પછી સ્ટાર્મર ચોથા બ્રિટિશ વડા પ્રધાન છે જેમના શાસનકાળમાં વાટાઘાટો ચાલુ રહી છે.

બંને પક્ષોએ જણાવ્યું છે કે વેપાર વાટાઘાટોમાં ઇમિગ્રેશનનો સમાવેશ કરવામાં આવશે નહીં, જો કે પ્રોફેશનલ્સ માટે કશીક જોગવાઇ હશે.

LEAVE A REPLY