ગુજરાતમાં આવનારા સમયમાં યોજાનારી મ્યુનિસિપલ કોર્પોરેશન અને પંચાયતોની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ 17 જાન્યુઆરીથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ ઝોન દીઠ સંમેલનોમાં કાર્યકર્તાઓ અને અગ્રણીઓ સાથે ચૂંટણી અંગે ચર્ચા કરશે. અગાઉ પાર્ટી દ્વારા નગરપાલિકા-મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીની તમામ બેઠકોમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યા વગર લડવાની જાહેરાત પણ કરાઇ છે. પક્ષના પ્રવક્તા ડો. કરણ બારોટે માહિતી આપતા જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ 17મીએ અમદાવાદ આવશે. તેમની ઉપસ્થિતિમાં 7 ઝોનના બૂથ કાર્યકર્તા સંમેલન યોજાશે. 18મીએ અમદાવાદમાં મધ્ય ઝોન અને 19 જાન્યુઆરીએ વડોદરામાં પૂર્વ ઝોન કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે. જેમાં વિવિધ જિલ્લાના તાલુકા, જિલ્લા, મહાનગર અને બૂથ લેવલના કાર્યકર્તાઓ અને સંગઠનના અગ્રણીઓ હાજરી આપશે. સ્થાનિક ચૂંટણીઓમાં કયા મુદ્દાઓ ઉઠાવવા અને પક્ષ દ્વારા કેવી તૈયારી કરવી તે સહિત તેઓ વ્યૂહ રચનાની ચર્ચા કરશે.










