અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં બુધવાર, 14 જાન્યુઆરીએ ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. રાજ્યમાં વહેલી સવારથી જ આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. મેદાનથી લઈને ધાબા સુધી પતંગબાજો વચ્ચે ‘આકાશી યુદ્ધ’ જામ્યું હતું અને ‘કાયપો છે’ અને ‘ચલ ચલ લપેટ’ના ગગનભેદી નાદથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. ઉત્તરાયણના પર્વમાં ઊંધિયું-જલેબીની જ્યાફત પણ લોકોએ માણી હતી.
રાત્રે લોકોએ ધાબા પર કરી આતશબાજી કરતાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. સાંજ થતાં જ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતાં અને આકાશ રંગબેરંગી આતશબાજીથી ગુંજી ઉઠ્યું હતું. લોકોએ સ્કાય શૉટ સહિતના મલ્ટિપલ ફટાકડા ફોડ્યા હતાં. કોઈએ કોઠીઓ સળગાવી તો કોઈએ ગરબા અને ડાન્સ કરી ઉમળકાભેર ઉત્તરાયણના પર્વને માણ્યું હતું. ઉત્તરાયણના બીજા દિવસે પણ વાસી ઉત્તરાયણની લોકોએ મજા માણી હતી.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પતંગરસિયા વચ્ચે પહોંચીને તહેવારનો આનંદ માણ્યો હતો. દિવસની શરૂઆત અમિત શાહે ભગવાન જગન્નાથના દર્શનથી કરી હતી. તેમણે મંદિરમાં વિધિવત પૂજા-અર્ચના કરી અને ગૌમાતાને ઘાસચારો ખવડાવી આશીર્વાદ લીધાં હતાં. નારણપુરા વિસ્તારમાં તેઓ ધાબા પર પતંગ ચગાવવા પહોંચ્યાં હતા ત્યારે લોકોના ઉત્સાહમાં વધારો થયો હતો. આ વર્ષે પણ પતંગના દોરાથી ઘાયલ થતા પશુ-પક્ષીઓની સારવાર માટે ‘કરુણા અભિયાન’ હાથ ધરાયું હતું.













