જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ તાજેતરમાં બે દિવસીય ગુજરાત પ્રવાસમાં ગાંધીનગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. તેમણે નર્મદા જિલ્લાના વૈશ્વિક પર્યટન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પ્રાકૃતિક સૌંદર્યનો નજારો અને મા નર્મદાના દર્શન કરી સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લઈ વિશાળ જળ રાશીના દર્શન સાથે ગુજરાતની પ્રગતિ અને ઇજનેરી કૌશલ્યની મુક્તમને પ્રસંશા કરી હતી. તેમણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી પ્રભાવિત થઇને કહ્યું કે, “આ સરદાર સાહેબે દેશ માટે કરેલા અવિસ્મરણીય કાર્યો માટેની આ સાચી શ્રદ્ધાંજલિ છે.” તેમણે વધુમાં જણાવ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલે દેશના એકીકરણ માટે જે દ્રષ્ટિકોણ અપનાવ્યો તે યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે.
આ ઉપરાંત તેમણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની પણ મુલાકાત લીધી હતી. નર્મદાના નીરથી ગુજરાતના રણ પ્રદેશ કચ્છ સહિત સુકી ધરા વિસ્તારોમાં પાણી પહોંચાડતી આ યોજના અંગે તેમણે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમણે નર્મદા યોજનાને દેશમાં પાણી વ્યવસ્થાપનનું શ્રેષ્ઠ ઉદાહરણો પૈકી એક ગણાવતાં કહ્યું કે, “ગુજરાતે નર્મદા યોજના દ્વારા દેશને સૌંદર્ય, કૃષિ અને વિકાસની દિશામાં મજબૂત પાયો આપ્યો છે.”
