drought in UK
.પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

સમગ્ર યુકેમાં એક અઠવાડિયાથી વધુ સમય કાળઝાળ ગરમી અને દેશમાં 40 વર્ષ કરતાં વધુ સમય પછી સૌપ્રથમવાર સાવ વરસાદ વિનાના લાંબા સમરના કારણે યુકેના અનેક વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ જાહેર કરાઈ છે ત્યારે દક્ષિણ યુકેના થોડા વિસ્તારો સિવાય લંડન સહિતના મોટા ભાગના યુકેમાં સોમવારે અને મંગળવારે વાવાઝોડા સાથે વરસાદ થતાં એક તરફ લોકોને ગરમી અને પાણીની તંગીમાંથી થોડી રાહત મળી હતી, તો બીજી તરફ ભારે વરસાદના કારણે અને સ્થળોએ માર્ગો નદીઓ બની ગયા હતા અને પૂરનું જોખમ પણ ઉભું થયું હતું. મંગળવારે તો કેટલાક વિસ્તારોમાં ગણતરીના સમયમાં – ત્રણેક કલાકમાં બે ઈંચ જેટલો ભારે વરસાદ પડવાની આગાહી સાથે સરકારે લોકોને ઈમરજન્સી માટે તૈયાર રહેવા ચેતવણી આપી હતી.

આમછતાં, હજી દુષ્કાળનો અંત નથી આવ્યો અને સત્તાવાળાઓએ લોકોને ચેતવણી આપી છે કે પાણીની તંગીની સ્થિતિને હળવાશથી જોવી જોઈએ નહીં.આ વીકના વરસાદ અને વાવાઝોડા અગાઉ સરકારી તંત્રએ સત્તાવાર રીતે લંડન, સાઉથ વેસ્ટના તેમજ સેન્ટ્રલ અને સાઉથ ઈંગ્લેન્ડના કેટલાક ભાગો તેમજ ઈસ્ટ ઈંગ્લેન્ડના થોડા વિસ્તારો દુષ્કાળગ્રસ્ત હોવાની અધિકૃત રીતે જાહેરાત કરી હતી. આ વિસ્તારોમાં ડેવોન અને કોર્નવોલ, સોલેન્ટ અને સાઉથ ડાઉન્સ, કેન્ટ તથા સાઉથ લંડન, હર્ટ્સ અને નોર્થ લંડન, ઈસ્ટ એંગ્લીઆ, થેમ્સ, લિંકનશાયર, નોર્ધમ્પટનશાયર, ડર્બીશાયર તથા ઈસ્ટ મિડલેન્ડ્ઝનો સમાવેશ થાય છે.

દુષ્કાળની જાહેરાત થતાં હવે લોકોને પોતાના ઘરના આંગણે કે પાછળના ભાગમાં ગાર્ડનમાં પાણીનો છંટકાવ કરવા, સ્વિમિંગ પુલ્સમાં પાણી બદલવા કે ભરવા, પેડલ પુલ્સમાં પાણી ભરવા, પોતાની કાર ધોવા, ઘરની દિવાલો કે બારીઓ ધોવા, ઘરના કમ્પાઉન્ડ ગેટથી ઘર સુધીના પાથ અને પેટીઓસ ધોવાની મનાઈ ફરમાવાશે, તેનો ભંગ કરનારને દંડ તેમજ કેદની સજા પણ થઈ શકશે.કાળઝાળ ગરમી અને દુષ્કાળના કારણે યુકેમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા રવિવારે વધીને 23 થઈ હતી.