અમેરિકાએ ફરજિયાત સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ સાથે અમેરિકામાં ભણવા માગતા વિદેશી વિદ્યાર્થીઓને સ્ટૂડન્ટ વિઝા આપવાની પ્રોસેસ 19 જૂને ફરી ચાલુ કરી હતી. અગાઉ 11મેએ અમેરિકાએ સ્ટુડન્ટ વિઝા પ્રોસેસને સ્થગિત કરી હતી.
હવે તમામ અરજદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટનું સ્ક્રિનિંગ ફરજિયાત બનાવ્યું છે. આનો અર્થ એવો થાય છે કે તમામ અરજદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટની સરકાર તપાસ કરશે અને અમેરિકા વિરુદ્ધ કોઇ પોસ્ટ હશે તો અરજી રિજેક્ટ કરશે.
વિદેશ વિભાગે જણાવ્યું હતું કે મે મહિનામાં સ્ટુડન્ટ વિઝા પર મૂકવામાં આવેલા હંગામી પ્રતિબંધને સરકારે પાછો ખેંચી લીધો છે, પરંતુ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને ‘પબ્લિક’ મોડ ન રાખતા અને તપાસનો ઇનકાર કરતાં નવા અરજદારોની વિઝા અરજી રિજેક્ટ થઈ શકે છે. કોન્સ્યુલર અધિકારીઓ એવી પોસ્ટ્સ અને મેસેજ પર નજર રાખશે, જે અમેરિકા, તેની સરકાર, સંસ્કૃતિ, સંસ્થાઓ અથવા સ્થાપના સિદ્ધાંતોની વિરુદ્ધમાં હોય.
ટ્રમ્પ વહીવટીતંત્રે ગયા મહિને યુએસમાં અભ્યાસ કરવાની આશા રાખતા વિદેશી વિદ્યાર્થીઓ માટે નવા વિઝા ઇન્ટરવ્યુનું સમયપત્રક અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધું હતું. અરજદારોની સોશિયલ મીડિયા પરની પ્રવૃત્તિના વ્યાપક સ્ક્રિનિંગના ભાગરૂપે વિઝા પ્રોસેસ અટકાવી દીધી હતી. સ્કૂલ વર્ષના પ્રારંભના થોડા સમય પહેલા જ સરકારે આવો નિર્ણય કરતાં અમેરિકામાં ભણવા માગતા વિશ્વભરના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયાં હતાં. જોકે હવે વિદ્યાર્થીઓને રાહત થઈ છે.
વિઝા પ્રોસેસ ફરી શરૂ કરતી વખતે વિદેશ વિભાગે તેના કોન્સ્યુલેટને એવી પણ સૂચના આપી છે કે વિદ્યાર્થી સંગઠનમાં વિદેશીઓનું પ્રમાણ 15 ટકાથી ઓછું હોય તેવી કોલેજમાં અભ્યાસ માટેની અરજીઓને પ્રાથમિકતા આપે.
ટ્રમ્પ સત્તા પર આવ્યા પછી અમેરિકામાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અનેક મોરચે વધુને વધુ તપાસનો સામનો કરી રહ્યાં છે. અગાઉ ટ્રમ્પ વહીવટીતંત્રે ટ્રાફિક ગુના જેવા સામાન્ય ગુનામાં સામેલ હોય તેવા હજારો વિદેશી વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વિઝા રદ કર્યા હતાં. જોકે પછી આ આદેશ હટાવી લેવામાં આવ્યો હતો.
