વિઝિટર
પ્રતિકાત્મક તસવીર (istockphoto)
અમેરિકાના વિદેશ વિભાગે તાત્કાલિક અસરથી અમલી બનાવેલા નવા આદેશોના પગલે હવેથી ભારતીયો સહિતના તમામ વિદેશી નોન-ઇમિગ્રન્ટ અરજદારોએ પોતાના અમેરિકાના વિઝિટર અને બિઝનેસ વિઝાના ઇન્ટરવ્યૂ માટેની અપોઇન્ટમેન્ટ પોતે જે દેશના નાગરિક હોય તે દેશમાં અથવા જ્યાં તેઓ કાનૂની રીતે રહેતા હોય તે દેશમા જ લેવાની રહેશે. આ પગલાનો આશય નજીકના દેશોમાંથી અરજી કરવાની પહેલાના નિયમ હેઠળની સુવિધા બંધ કરવાનો છે. એ સુવિધામાં ઈન્ટરવ્યૂ માટેની એપોઇન્ટમેન્ટ ઝડપથી મળતી હતી.
આ નવા વિઝા નિયમો વૈશ્વિક સ્તરે લાગુ પડશે. અમેરિકાના વિદેશ મંત્રાલયે ગયા સપ્તાહે  શનિવારે પ્રસિદ્ધ કરેલા એક નિવેદનમાં આ માહિતી આપી હતી. નિવેદનમાં જણાવ્યા મુજબ તાત્કાલિક અસરથી લાગુ થનારા નવા નિયમ અનુસાર, અમેરિકન વિદેશ વિભાગે નોન-ઇમિગ્રન્ટ વિઝા અરજદારો માટે સૂચના અપડેટ કરી છે. તેમણે વિઝા માટેના ઇન્ટરવ્યૂ અરજદારો જે દેશના નાગરિક હોય અથવા તો કાનૂની રીતે જે અન્ય દેશમાં હાલમાં વસવાટ કરતા હોય ત્યાંના અમેરિકન દૂતાવાસ કે કોન્સ્યુલેટ કચેરીઓ ખાતે જ આપવાના રહેશે.
આ નવા નિર્ણયની ભારતીયો પર સીધી અસર પડશે. ભારતીયો તાજેતરના વર્ષોમાં પોતાના ઇન્ટરવ્યૂ માટે સિંગાપુર, થાઇલેન્ડ અને જર્મનીમાંથી અરજી કરતા હતા. આ રીતે તેઓ ભારતમાં ઈન્ટરવ્યૂના બેકલોગથી બચી શકતા હતા અને ઇન્ટરવ્યૂની તારીખ વહેલી મેળવી શકતા હતા. આ નવા નિર્ણયના પગલે વહેલી ત્વરાએ અમેરિકા જવા ઈચ્છતા ભારતીયો સહિતના વિદેશીઓ બી1 કે બી2 (ટૂરિઝમ) વિઝા માટે ઇન્ટરવ્યૂની એપોઇન્ટમેન્ટ વિદેશમાં ઝડપથી મળે તેમ હોય તો પણ નહીં લઇ શકે.
આ નિયમમાંથી એ લોકોને મુક્તિ મળશે, જેમને અગાઉ બી1 કે બી2 અથવા બી1/બી2 વિઝા મળેલા હોય અને તેની મુદત પુરી થતાં તે રીન્યૂ કરવાના હોય તેમજ અગાઉના વિઝા મંજુર થયા હોય તે તારીખે જે તે વ્યક્તિની વય 18 વર્ષ પુરાની હોય. એ લોકો તેમના અગાઉના વિઝાની મુદત પુરી થવાના એક વર્ષ પહેલા રીન્યુઅલ માટે અરજી કરતા હોવા જોઈએ, કારણ કે એ સંજોગોમાં તેમને ઈન્ટરવ્યૂ માટે રૂબરૂ હાજર થવાની જરૂરત રહેતી નથી.
તે ઉપરાંત, અમેરિકા કેટલાક દેશોમાં તેની એમ્બેસી કે કોન્સ્યુલેટ્સમાં રાબેતા મુજબના નોન ઈમિગ્રન્ટ વિઝા માટેના ઈન્ટરવ્યૂ (એનઆઈવી) ની કામગીરી કરતું નથી. આવા દેશોના નાગરિકો માટે નજીકના અન્ય દેશમાં તેમના એનઆઈવીની કામગીરી નિયત કરવામાં આવેલી છે. આવા દેશોના નાગરિકોને પોતાના જ દેશમાં ઈન્ટરવ્યૂના આયોજનમાંથી મુક્તિ મળે છે. તેના દાખલા જોઈએ તો રશિયાના નાગરિકો માટે અસ્ટાના અથવા વોરસો (પોલેન્ડ), અફઘાનિસ્તાનના નાગરિકો માટે ઈસ્લામાબાદ (પાકિસ્તાન) તથા ઈરાનના નાગરિકો માટે દુબઈમાં ઈન્ટરવ્યૂની વ્યવસ્થા રહે છે

LEAVE A REPLY