હિન્દુપેક્ટના અમેરિકન હિન્દુઝ અગેઇન્સ્ટ ડેફેમેશન (AHAD) દ્વારા તાજેતરમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પ સમક્ષ ટ્રેડ અને મેન્યુફેકચરિંગ પોલિસીના ડાયરેક્ટર પીટર નાવારોને તેમના પદેથી તાત્કાલિક બરતરફ કરવાની માગણી કરી હતી. આ ગ્રુપે બ્રાહ્મણોને ટાર્ગેટ કરતી નાવારોની જાહેર ટીપ્પણીઓને વખોડી હતી, તેમના પર ‘ભારતીયોના ભોગે લાભ લેવાનો’ આરોપ મુક્યો હતો.
ઉપરાંત આ ટીપ્પણીઓ હિન્દુ સમુદાયને વિભાજીત કરનારી હોવાનું જણાવ્યું હતું. આ વિશે હિન્દુપેક્ટના એક્ઝિક્યુટિવ ચેરમેન અજય શાહે જણાવ્યું હતું કે, ‘આ વિદેશ નીતિ નથી. આ હિન્દુ વિરોધી દૃષ્ટિકોણ છે. વસાહતી યુગની ભાષાના ઉપયોગ દ્વારા હિન્દુઓને વિભાજીત કરવાથી સંબંધોનો નાશ થાય છે.
નાવારો જેવા લોકોનું અમેરિકાના રાજકીય જીવનમાં કોઈ સ્થાન નથી.’ અત્રે ઉલ્લેખનીય છે કે, નાવારોએ ભારતના વડાપ્રધાન મોદી ભગવા વસ્ત્રો પહેરીને ધ્યાનમાં બેઠા હોય તેવી એક તસવીર પણ વાયરલ કરી હતી, આ એક પવિત્ર હિન્દુ પરંપરા છે. હિન્દુપેક્ટનાં પ્રેસિડેન્ટ દીપ્તિ મહાજને કહ્યું હતું કે, ‘કેસરી રંગ પવિત્ર છે. પ્રાર્થના એ પ્રચારનું સાધન નથી. ધાર્મિક પરંપરાઓ અથવા નેતાઓની મજાક ઉડાવવાથી રાજદ્વારી અને ધાર્મિક સન્માન બંનેને નુકસાન થાય છે.’
AHAD એ ચેતવણી આપી હતી કે, નાવારોના નિવેદનોથી અમેરિકામાં હિન્દુઓને અસર થાય છે, જેના કારણે સ્કૂલ, ઓફિસ અને ધાર્મિક સ્થાનોમાં ભેદભાવ સર્જાય છે. સંસ્થાનાં જનરલ સેક્રેટરી દીપા કાર્તિકે કહ્યું હતું કે, ‘કોઈ ભારતને શરમજનક સ્થિતિમાં મુકવા જ્ઞાતિ-જાતિનો ઉપયોગ કરે ત્યારે તેની અસર અહીંના હિન્દુઓ પર પડે છે. બાળકો અને કર્મચારીઓ સાથે ગેરવર્તન થાય છે. આપણા વારસાનું અયોગ્ય રીતે રાજકીયકરણ કરવામાં આવે છે.’
