અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલની બહાર સોમવારે સવારે ધો.10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર છરી અને લાકડીઓ વડે જીવલેણ હુમલાની ઘટના બનતા ચકચારી મચી હતી. આ ઘટનામાં ત્રણ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતાં. વિદ્યાર્થીઓએ જૂની અદાવતમાં આ હુમલો કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
શાળામાં જ ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો. આ જૂની તકરારની અદાવત રાખીને આજે સવારે વિદ્યાર્થી શાળાએ પહોંચ્યો, ત્યારે હુમલાખોર વિદ્યાર્થીએ અન્ય સાથીદારો સાથે મળીને તેના પર હુમલો કર્યો હતો. સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા હુમલાખોરે છરી કાઢી વિદ્યાર્થી પર ઘા ઝીંકી દીધાં હતાં. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના આધારે હુમલાખોર વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી. આ ઘટનાની ગંભીર નોંધ લઇને ગુજરાતના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો હતો. પ્રધાને કડક સૂચનાઓ જારી કરીને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે કોઈ સમાધાન સહન કરવામાં આવશે નહીં.
પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોર વિદ્યાર્થીઓ અને તેમના અન્ય સાથીદારોએ મળીને વિદ્યાર્થીઓને ઘેરી લીધા હતાં અને તેમને બળજબરીપૂર્વક ખેંચીને શાળાના ગેટની બહાર લઈ ગયા હતાં, જ્યાં તેમના પર હુમલો કર્યો હતો. આ હિંસક ઘટનામાં કુલ ત્રણ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતાં. એક વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી,, જ્યારે અન્ય એક વિદ્યાર્થી હુમલાખોરનું ચપ્પુ પકડવા જતાં આંગળીના ભાગે લોહીલુહાણ થયો હતો.












