
યુકેમાં સ્ટ્રોમ ચંદ્રા ત્રાટકવાના કારણે દેશના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ, ભારે પવન અને બરફ પડ્યો છે. હવામાન વિભાગ અને ઇમરજન્સી એજન્સીઓએ જીવલેણ પૂર સહિતની અનેક ગંભીર હવામાન ચેતવણીઓ જારી કરી છે. અધિકારીઓ સતત અને વધતી જતી વિક્ષેપની ચેતવણી આપી રહ્યા છે.
નોર્ધર્ન આયર્લેન્ડમાં, ગંભીર વેધર વોર્નીંગ અને જોખમી પરિસ્થિતિઓને કારણે મંગળવારે લગભગ 250 શાળાઓ બંધ કરવામાં આવી હતી. ભારે પવન અને સતત વરસાદને કારણે વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે વ્યાપક વિક્ષેપ અને સલામતીની ચિંતાઓ ઉભી થઈ છે.
ડેવોનના ઓટરી સેન્ટ મેરી ખાતે ઓટર નદીમાં “જીવન માટે જોખમી” નિવડે તેવા ગંભીર પૂરની ચેતવણી હાલમાં પણ સક્રિય છે. ભારે વરસાદને કારણે ઊંડા, ઝડપી વહેણની સ્થિતિ સર્જાઈ છે જે જીવન અને સંપત્તિને જોખમમાં મૂકી શકે છે. સ્થાનિક વિસ્તારના રહેવાસીઓને જો સલામત લાગતું હોય તો સ્થળાંતર કરવા અને ગેસ અને વીજળી જેવી સેવાઓ બંધ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
ઇંગ્લેન્ડમાં હાલમાં પણ 100થી વધુ પૂરની ચેતવણીઓ અમલમાં છે, જેમાં લગભગ 200 જેટલી ઓછા ગંભીર પૂરની ચેતવણીઓ પણ સામેલ છે. સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડમાં આ મહિનાની શરૂઆતમાં આવેલા તોફાનો અને વરસાદથી જમીન પહેલાથી જ સંતૃપ્ત થઈ ગઈ હતી.
હવામાન વિભાગે યુકેના મોટા ભાગને આવરી લેતી એમ્બર અને યલો વેધર વોર્નીંગ જારી કરી છે. નોર્ધર્ન આયર્લેન્ડના કેટલાક ભાગોમાં 75 માઇલ પ્રતિ કલાક સુધીનો પવન ફૂંકવાની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડના કેટલાક ભાગોમાં એમ્બર વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ત્યાં 30-80 એમએમ વરસાદ પડ્યો છે અથવા પડે તેમ છે.
મંગળવારે નોર્ધર્ન આયર્લેન્ડના મોટાભાગના વિસ્તારો અને સાઉથ ઇંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડના કેટલાક ભાગો સહિત વધારાના વિસ્તારો માટે યલો વોર્નીંગ્સ યથાવત છે કારણ કે હાઇ લેન્ડ પર બરફ પડે છે.
M48 સેવર્ન બ્રિજને ભારે પવનને કારણે તમામ ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો છે, અને હમ્બર બ્રિજે હાઇ-સાઇડેડ વાહનોને પ્રતિબંધિત કર્યા છે. ડેવોન, સમરસેટ અને ડોરસેટમાં અનેક મુખ્ય રસ્તાઓ પૂરના પાણી ભરાઈ જવાને કારણે બંધ છે, જેમાં A30, A303 અને A35 જેવા મુખ્ય માર્ગોનો સમાવેશ થાય છે.
પેનીઝ સ્થિત A66 બરફના કારણે બંધ છે, ડ્રાઇવરોને વૈકલ્પિક માર્ગોનું આયોજન કરવાની ચેતવણી આપવામાં આવી છે.
આયર્લેન્ડના સમુદ્રમાં ચાલતી લિવરપૂલથી બેલફાસ્ટ અને સ્કોટિશ બંદરોથી ફેરી સેવાઓને દિવસના મોટા ભાગ માટે રદ કરવામાં આવી છે. બેલફાસ્ટ સિટી એરપોર્ટ પરની ડઝનબંધ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
ઇમરજન્સી રીસ્પોન્ડર્સ અને પર્યાવરણ એજન્સીઓ સક્રિયપણે પરિસ્થિતિઓનું નિરીક્ષણ કરી રહ્યા છે અને લોકોને પૂરના પાણીમાં વાહન ચલાવવાનું ટાળવા વિનંતી કરી રહ્યા છે. છીછરુ પાણી પણ વાહનોને તરતા કરી શકે છે.
ઘરોને સંભવિત વીજળી આઉટેજ અને અન્ય સેવાઓમાં વિક્ષેપો માટે તૈયાર રહેવાની પણ સલાહ આપવામાં આવી છે. અધિકારીઓએ ટોર્ચ, બેટરી અને નાશ ન પામે તેવા ખોરાક જેવા આવશ્યક પુરવઠાનો સંગ્રહ કરવાની ભલામણ કરી છે.
એકંદરે, તોફાન ચંદ્રા આ સિઝનમાં અત્યાર સુધીના સૌથી પ્રભાવશાળી શિયાળાની હવામાન ઘટનાઓમાંની એક છે, જે અગાઉના તોફાનોની અસરોને વધારે છે અને મંગળવાર અને સંભવિત રીતે તે પછી પૂર, તીવ્ર પવન અને બરફના ચાલુ જોખમો રજૂ કરે છે.













