વિદેશમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકોને પરત લાવવા સરકારે £75 મિલિયનના ખર્ચે એરલાઇન્સ ઉદ્યોગ સાથે ભાગીદારી કરી છે. આ સમાચારને પગલે નવેમ્બરથી માર્ચ દરમિયાન ભારત ગયેલા અને ભારતમાં લોકડાઉન દરમિયાન ફસાઇ ગયેલા હજ્જારો ભારતીય બ્રિટિશર્સ, ખાસ કરીને ગુજરાતી પરિવારો, વૃદ્ધોને અને બ્રિટિશ ટુરીસ્ટોને રાહત થશે અને તેઓ પોતાના યુકે પાછા આવી શકશે. આ સપ્તાહના અંતમાં અને તે પછી સતત અગ્રતા ધરાવતા દેશોમાંથી ચાર્ટર્ડ ફ્લાઇટ્સ દ્વારા ફસાયેલા લોકોને પરત લાવવામાં આવશે.
કોરોના વાઈરસની વૈશ્વિક સ્થિતિને કારણે ભારત, અમેરિકા અને ચાઇના સહિત ઘણા દેશોએ પોતાની સરહદો બંધ કરી દીધી છે અને અમુક દેશોએ ફક્ત થોડા કલાકોની ચેતવણી સાથે મુસાફરી પર પ્રતિબંધો જાહેર કરી દેતાં યુકેના ઘણા પ્રવાસીઓ ઘરે પરત થવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.વર્જિન, ઇઝિજેટ, જેટ 2 અને ટાઇટન એરવેઝે ફોરેન સેક્રેટરી ડોમિનીક રાબ તથા ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સ સાથે વાટાઘાટો કર્યા પછી સોમવારે સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા છે. બ્રિટીશ એરવેઝે પણ સ્પષ્ટ કર્યું છે કે લોકોને ઘરે પહોંચાડવા રાષ્ટ્રીય હિતમાં સરકાર સાથે કામ કરશે. આ માટે અન્ય એરલાઇન્સ પણ જોડાશે તેવી સરકારને અપેક્ષા છે. સેક્રેટરી ઓફ સ્ટેટે એરલાઇન્સને સંયુક્ત પત્ર પાઠવ્યો છે. સરકારો આ માટે ટુ-ટ્રેક અભિગમ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.
પ્રથમ અભિગમમાં એરલાઇન્સ પોતાની જવાબદારી સમજીને તેમની બુક કરેલી ટિકિટો ધરાવતા મુસાફરોને પરત લાવવા પ્રયત્ન કરશે. આ માટે રૂટ કેન્સલ થયા છે ત્યાં તેમને વિકલ્પોની ઓફર કરાશે, ટિકિટ બદલવાની મંજૂરી આપશે અને જ્યાં પરવાનગી છે ત્યાં એરલાઇન્સ – કેરીઅર બદલવા દેવામાં આવશે. આ ઉપરાંત પરિસ્થિતિ બદલાતા તેમને તાજા માહિતી અને સલાહ આપશે.બીજા અભિગમમાં કોમર્શીયલ રૂટ અસ્તિત્વમાં જ નથી ત્યાં ફસાયેલા લોકોને પરત લાવવા માટે એરલાઇન્સ અને અન્યો દ્વારા સંચાલિત વિશેષ ચાર્ટર ફ્લાઇટ્સ માટે સરકાર £75 મિલિયન સુધીની નાણાકીય સહાય પૂરી પાડશે.
ફોરેન સેક્રેટરી, ડોમિનિક રાબે કહ્યું હતુ કે “વિદેશ પ્રવાસે ગયેલા ઘણાં બ્રિટિશ નાગરિકો માટે આ ચિંતાજનક સમય છે. અમે પહેલેથી જ એરલાઇન્સ અને સરકારો સાથે કામ કર્યું છે અને હજારો લોકોને કોમર્શીયલ ફ્લાઇટ્સ દ્વારા સ્વદેશ પાછા લાવશું અને તે માટે અમે શક્ય તમામ વિકલ્પો ખુલ્લા રાખીશું. કોમર્શીયલ ફ્લાઇટ શક્ય નથી તેવા ચાઇના, જાપાન, ક્યુબા, ઘાના અને પેરુથી લોકોને લાવવા માટે તા. 30ના રોજ થયેલી સહમતી અંતર્ગત ખાસ ચાર્ટર ફ્લાઇટ્સનું આયોજન કરવામાં આવશે.
કોમર્શીયલ રૂટ નહીં ધરાવતા દેશો માટેની વિશેષ ચાર્ટર ફ્લાઇટ્સ માટે સ્થાનિક સ્વાસ્થ્ય, ફસાયેલા બ્રિટિશ પ્રવાસીઓની સંખ્યા અને તેમની નબળી હાલતને પ્રાથમિકતા આપવામાં આવશે. કેટલાક સ્થળોએ એરપોર્ટ પર ઉતરાણની વ્યવસ્થા તેમજ એરપોર્ટ સુધી પહોંચવાની સગવડ પણ નિર્ણાયક પરિબળો હશે.’’ડોમિનિક રાબે કહ્યું હતુ કે ‘’ઘાના અને ટ્યુનિશિયા માટે ચાર્ટર ફ્લાઇટ્સ પહેલેથી જ શરૂ થઈ ગઈ છે. ભારત અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાંથી લોકોને પાછા લાવવાના ઉદ્દેશ્ય સાથે અમે આ અઠવાડિયે વધુ દેશોનો ઉમેરો કરીશું, ત્યાં મોટી સંખ્યામાં બ્રિટીશ પ્રવાસીઓ અટવાઈ ગયા છે અને કોમર્શીયલ રૂટ્સ સંપૂર્ણપણે અટકાવી દેવાયા છે.
જ્યાં એરસ્પેસ બંધ કરી દેવાઇ છે તેવા વિશ્વભરના દેશો સાથે અમે સઘન વાટાઘાટો કરી રહ્યા છીએ જેથી ત્યાંથી અમે લોકોને પરત લાવી શકીએ.’’સરકાર ટિકિટ પરવડે તેમ છે તેવી ખાતરી કર્યા બાદ ચાર્ટર્ડ ફ્લાઇટ્સ ગોઠવશે અને જે તે દેશની બ્રિટીશ એમ્બેસી અથવા હાઇ કમિશન દ્વારા નક્કી કરાયેલી ટ્રાવેલ મેનેજમેન્ટ કંપનીને જે તે વ્યક્તિએ નાણાં ચૂકવી સીધી ટિકીટ બુક કરાવવાની રહેશે. યુકે પરત ફરવા માંગતા વિદેશમાં ફસાયેલા બ્રિટિશ પ્રવાસીઓને તેમની એરલાઇન્સની વેબસાઈટ, ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસના ટ્રાવેલ એડવાઇઝના વેબપેજ ઉપર અથવા તો જે તે દેશની સ્થાનિક બ્રિટિશ એમ્બેસીના સોશ્યલ મીડિયાની મુલાકાત લઈને ત્યાં કોમર્શીયલ રૂટ ઉપલબ્ધ છે કે નહીં તેની તેમજ અન્ય બાબતોની માહિતી લેવાની રહેશે.
જેમણે અપડેટ્સ માટે નોંધણી કરાવી હશે તેમનો સંપર્ક ઇમેઇલ દ્વારા કરવામાં આવશે. બ્રિટિશ નાગરિકોને બુકિંગ એજન્ટ સીટીએમ દ્વારા તેમની રૂચિ નોંધાવવા માટે કહેવામાં આવશે.જ્યાં લોકોને વાસ્તવિક જરૂરિયાત હશે ત્યાં કોન્સ્યુલર ટીમો તેમના વિકલ્પો માટે વાત કરશે અને અંતિમ ઉપાય તરીકે ઇમરજન્સી લોન આપશે. સરકારે FCO ના કૉલ સેન્ટરની ક્ષમતા ત્રણ ગણી કરી છે.
ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ગ્રાન્ટ શેપ્સે કહ્યું હતુ કે “વિદેશમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકો માટે ખૂબ જ મુશ્કેલ સમય છે અને તેમને સલામત રીતે ઘરે લાવવા માટે અમે બધું જ કરી રહ્યા છીએ.”મુસાફરો યુકે પરત ફરી શકે તે સુનિશ્ચિત કરવા માટે સરકારે વિશ્વભરના દેશોને ટ્રાંઝિટ હબ્સ, એરપોર્ટ અને એરસ્પેસ ખુલ્લી રાખવા વિનંતી કરી 20થી વધુ સહયોગીઓ સાથે વાત કરી છે. સરકાર મોરોક્કોથી 8,500, સાયપ્રસથી 5,000 અને સ્પેનથી અંદાજે 150,000 જેટલા બ્રિટિશ પ્રવાસીઓને પાછા ફરવામાં મદદ કરી રહી છે.