રોબોટ્સની શોધ પછી અવારનવાર આ યંત્રમાનવોને શ્રમિકો, ગરીબોની રોજગારી છીનવી લેનારા તરીકે ચિતરવામાં આવતા હતા, તેને લોકો ધિક્કારતા પણ થયા હતા, પણ આજે સમગ્ર વિશ્વ કોરોના વાઈરસના રોગચાળા સામે ઝઝુમી રહ્યું છે, ડોક્ટર્સ, નર્સીઝ વગેરે આરોગ્ય સેવાના કર્મચારીઓ આ સંજોગોમાં દર્દીઓનો ઈલાજ કરતાં કરતાં પોતે રોગનો ભોગ બની રહ્યા છે ત્યારે આવા રોબોટ્સ દર્દીઓના ઈલાજ અને સેવામાં ઝડપી, કાર્યક્ષમ અને ચેપના ડરથી મુક્ત હોવાના પગલે કોરોના વાઈરસના રોગચાળા સામેના જંગમાં હીરો તરીકે ઉભરી આવે તેવી શક્યતા પ્રબળ છે.
આ રોગચાળાનું મૂળ મનાતા ચીનના વુહાનમાં રોબોટ્સની એક ટીમે થોડા સમય માટે એક કામચલાઉ ઉભી કરાયેલી હોસ્પિટલમાં દર્દીઓની સારસંભાળ લીધી હતી. આવા રોબોટ્સ બનાવતી એક કંપની, ક્લાઉડમાઈન્ડ્સ ચીનમાં બૈજીંગ અને અમેરિકામાં કેલિફોર્નિયામાં કામકાજ ધરાવે છે. તેણે બનાવેલા આવા હોસ્પિટલ્સમાં ઉપયોગી રોબોટ્સનું નામ ‘ક્લાઉડ જીંજર’ રખાયું છે અને વુહાનની તે હોસ્પિટલમાં એ રોબોટ્સે દર્દીઓને ભોજન પિરસવાની, દર્દીઓનો તાવ માપવાની તેમજ દર્દીઓ અને ડોક્ટર્સ વચ્ચે સંવાદની (પરસ્પર વાચચિત) કામગીરી સંભાળી હતી.
કલાઉડમાઈન્ડ્સના પ્રેસિડેન્ટ કાર્લ ઝાઓએ આ હ્યુમેનોઈડ રોબોટ્સ વિષે કહ્યું હતું કે, એ યંત્રોએ ઉપયોગી માહિતી પુરી પાડી હતી, સંવાદની સારી સેવા આપી હતી, તે ડાન્સિંગ સાથે મનોરંજન પણ પુરું પાડે છે અને કેટલાક દર્દીઓને તો એ યંત્રોએ કસરત કરવા વિષે માર્ગદર્શન પણ આપ્યું હતું. વુહાનમાં એ સ્માર્ટ ફિલ્ડ હોસ્પિટલનું સંચાલન સંપૂર્ણરીતે રોબોટ્સે કર્યું હતું.
ઈટાલીના લોમ્બાર્ડીમાં વારેસેની સિરકોલો હોસ્પિટલમાં કોરોના વાઈરસ સામેના જંગમાં આ રોબોટ્સ કેટલીક કામગીરીમાં તો ડોક્ટર્સ અને નર્સીઝની ભૂમિકા પણ ભજવી રહ્યા છે. એક નાની મેડિકલ ટીમ ફિલ્ડ હોસ્પિટલમાં રોબોટ્સની કામગીરીનું રીમોટથી નિયંત્રણ કરી રહી હતી. દર્દીઓને એવા રીસ્ટબેંડ પહેરાવાયા હતા, જે તેમના બ્લડપ્રેશર તથા અને મહત્ત્વની માહિતી એકત્ર કરતા હતા.
આ સ્માર્ટ ક્લિનિકે ફક્ત થોડા દિવસો માટે જ દર્દીઓની સારસંભાળ લીધી હતી, પણ આને ભવિષ્યની એક ઝાંકી માની શકાય, થોડા વર્ષો પછી એ વધુ વ્યાપક વાસ્તવિકતા બની શકે છે કે જેમાં ચેપી રોગોના દર્દીઓની સારવાર, સારસંભાળ રોબોટ્સ કરતા હશે અને હેલ્થકેર કર્મચારીઓ તે રોબોટ્સનું દૂરથી સંચાલન કરતા હશે.
સિંગાપોરની એલેકઝાન્ડ્રા હોસ્પિટલ બીમપ્રો રોબોટ્સનો ઉપયોગ કરીને કોરોના વાઈરસના દર્દીઓ અથવા તો કોરોનાનો ચેપ લાગ્યાની શંકા હોય તેવા દર્દીઓને આઈસોલેશન વોર્ડ્સમાં દવાઓ તેમજ ભોજન પુરૂં પાડશે.
થાઈલેન્ડ, ઈઝરાયેલ તથા કેટલાક અન્ય દેશોમાં આજે પણ દર્દીઓનું કન્સલ્ટેશન દૂર બેઠા ડોક્ટર્સ રોબોટ્સના માધ્યમથી વીડિયોકોન્ફરન્સથી કરે છે. કેટલાક કન્સલ્ટેશન રોબોટ્સ તો દર્દીઓની શ્વાસોશ્વાસની ક્રિયા સાંભળવાની ચેકઅપની પરંપરાગત કામગીરી પણ બજાવે છે.
ડાયમંડ પ્રિન્સેસ ક્રુઝ શિપના કિસ્સામાં બન્યું હતું તેમ કેટલાક રોબોટિક મશીન્સનો ઉપયોગ વાયરસ છે કે નહીં તેની તપાસ માટે પણ થઈ શકે છે. એ શિપમાંથી ચેપગ્રસ્ત દર્દીઓને ઉતારી દેવાયા તેના અનેક સપ્તાહો પછી રોબોટિક મશીન્સે શિપની કેબિન્સ સલામત છે કે નહીં તેની તપાસ કરી હોવાનું યુએસ સેન્ટર્સ ફોર ડીસીઝ કન્ટ્રોલે જણાવ્યું હતું.
આ ઉપરાંત, હોસ્પિટલ્સ દ્વારા રૂમ્સ, હોલ્સ તથા દરવાજાના હેન્ડલ્સ ઉપરથી વાઈરસ અને બેક્ટેરીઆનો નિકાલ કરવાની અથાક કામગીરી હવે રોબોટિક મશીન્સ પાસેથી કરાવી રહી છે. અમેરિકાની એક કંપની ઝેનેક્સ પણ આવા રોબોટ્સ બનાવે છે અને તેના મીડિયા રીલેશન્સ ડાયરેક્ટર મેલિન્ડા હાર્ટના જણાવ્યા મુજબ હાલના સંજોગોમાં તેમના રોબોટ્સની માંગમાં ઉછાળો આવ્યો છે.
તેના લાઈટસ્ટ્રાઈક રોબોટ્સ 500થી વધુ હેલ્થકેર ફેસેલિટીઝમાં સેવાઓ આપી રહ્યા છે. અમને દુનિયાભરમાંથી રોબોટ્સ પુરા પાડવા માટે વિનંતીઓ મળી રહી છે. હોસ્પિટલ્સ ઉપરાંત અરજન્ટ કેર સેન્ટર્સ, હોટેલ્સ, ફાર્માસ્યુટિકલ કંપનીઓ તેમજ સરકારી એજન્સીઓ પણ આવા રોબોટ્સ ખરીદવા તત્પર છે.