કોરોના વાઈરસે બ્રિટન સહિત દુનિયામાં કાળો કેર વરતાવ્યો છે. યુકેમાં તો સ્થિતિ એ છે કે આપણા માતા-પિતા કે ભાઇ બહેનનું કોઈપણ કારણે મરણ થાય તો સગા દિકરાઓ કે ભાઇઓ તેમની અર્થીને કાંધ પણ આપી શકતા નથી. સૌની લાચારી એટલી બધી છે કે આપણા સ્વજનના મુખમાં છેલ્લી વખત પરંપરા મુજબ ગંગાજળનુ આચમન પણ કરાવી શકતા નથી કે તેમના અંતિમ દર્શન પણ કરી શકતા નથી. આવા સંજોગામાં સ્મશાને જવાની પણ નજીકના સગાઓને મંજૂરી નથી. સરકારની ગાઇડલાઇન ખૂબ જ સાવચેતી સાથે અંતિમ વિધિ માટિ આંશિક પરવાનગી આપે છે.
લેસ્ટરના એક ફ્યુનરલ ડાયરેક્ટરે નામ પ્રસિધ્ધ નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે ‘’સમયની બલિહારી કહો કે કુદરતનો કેર પણ આજે આપણે સૌ કાળમુખા કોરોના વાઈરસના કરાણે લાચાર થઇ ગયા છીએ. કોઈ સ્વજનનું કોરોના વાઈરસના કારણે હોસ્પિટલમાં મરણ થાય તો તેમનો મૃતદેહ હોસ્પિટલમાંથી જ બેગમાં સીલ થઇને આવે છે. મૃતદેહ ઘરે લઇ જવાની, સ્નાન કરાવવાની, નવા કપડા પહેરાવવાની કે મહિલા હોય તો તેમને શ્રુંગાર કરવાની કોઇ જ પરવાનગી નથી. ઘરના સભ્યો કોરેન્ટાઇનમાં કે આઇસોલેશનમાં હોય તો તેમને ક્રિમેટોરીમમમાં આવવાની પણ પરવાનગી નથી.’’
‘’આવા સંજોગોમાં આપણા ધાર્મિક અને સામાજિક રીતરીવાજોનુ પાલન કરવુ બહુ જ મુશ્કેલ થઈ ગયુ છે. સૌ કોઇને ચેપ લાગવાનુ જોખમ હોવાથી વિધિ કરાવતા બ્રાહ્મણો કે મહારાજ પણ ક્રિમેટોરિયમમાં આવવા તૈયાર થતા નથી. આથી વિધિ કરવાનો તો કોઇ પ્રશ્ન જ આવતો નથી. મૃત વ્યકતિને ગંગાજળનુ આચમન કરાવવાનું પણ શક્ય ન હોવાથી ન છૂટકે સીલબંધ બેગને કોફીનમાં મૂકીને તેના પર ગંગાજળ છાંટી દઇએ છીએ. આજ રીતે કપડા, સુખડ કે તુલસીના પાન પણ કોફીનમાં મૂકી દઇએ છીએ.’’
તેમણે જણાવ્યું હતું કે ‘’કોરોના વાઈરસથી મૃત્યુ પામેલા લોકોના સગા પણ તેમને પોતાને, ફ્યુનરલ કેર અને ક્રિમેટોરીયમ સ્ટાફ તેમ જ અન્ય લોકોને ચેપ ન લાગે તે માટે સ્મશાનગૃહમાં પોતાના સ્વજનની અંતિમ વિધિમાં હાજર રહી શકતા નથી. અન્ય સામાન્ય બીમારીના કારણે મરણ પામેલ વ્યક્તિના મૃતદેહને પણ અત્યારના સંજોગોમાં ઘરે લઇ જવા કે સ્નાન કરાવવા દેતા નથી. આ બધી વિધિ ફ્યુનરલ કેર સ્ટાફ જ કરે છે અને સોશ્યલ ડિસ્ટન્સીસના નિયોમોનુ પાલન કરાવવા માટે માત્ર 10 લોકોને ક્રિમેટોરિયમમાં હાજર રહેવા દેવામાં આવે છે.’’
રાષ્ટ્રીય સ્તરે ઘણી બધી ફ્રેન્ચાઇઝીઓ ધરાવતી નામાંકિત ફ્યુનરલ કંપનીના નોર્થ વેસ્ટ લંડન સ્થિત ફ્યુનરલ ડાયરેક્ટરે નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યુ હતુ કે ‘’કોરોના વાઈરસના કારણે મરણ પામેલા લોકોના પરિવારથી લઇને હોસ્પિટલ્સ, મોર્ચ્યુઅરી અને સંબંધિત સત્તાવાળાઓ સાથે ઓનલાઇન અને ફોનથી જ કાર્યવાહી કરવી પડે છે. પેપરવર્કનો ભાર પણ વધી ગયો છે. અમુક કેસમાં પરિવારના સભ્યો જોખમ લેવા તૈયાર હોય અને તેઓ કોરેન્ટાઇનમાં કે આઇસોલેશનમાં ન હોય તો ક્રિમેટોરીયમમાં આવીને અંતિમ સંસ્કાર કરે છે. તેમને એશીશ 3-4 દિવસ પછી ઘરે જ પહોંચાડી દેવામાં આવે છે અને હાલના સંજોગોમાં ભારત જઇ શકાય તેમ ન હોવાથી તેઓ અહી યુકેમાં જ અસ્થિવિસર્જન કરી દે છે. મૃતક વ્યક્તિને લેવા માટે અમારૂ વાહન મોર્ચ્યુઅરીમાં જાય ત્યારે અમારા સ્ટાફે પણ સ્પેશ્યલ પ્રોટેક્શન સુટ પહેરવા પડે છે અને આ માટેની સ્પેશ્યલાઇઝ્ડ ટીમ મૃતદેહ લઇ આવે છે. આપણા ઘણા ગુજરાતી અને હિન્દુ પરિવારો લંડનમાં અને વિશેષ કરીને બ્રેન્ટ વિસ્તારમાં મરણ પામ્યા છે.’’
સરકારની માર્ગદર્શીકા અને નિયમો
સ્ટાન્ડર્ડ ઇન્ફેક્શન કંટ્રોલ પ્રિકોશન્સ (SICPs) અને ટ્રાન્સમિશન બેઝ્ડ પ્રિકોશન્સના નિયમો અને માર્ગદર્શિકા કોરોના વાઈરસના કારણે મોતને ભેટેલા લોકોની અંતિમ વિધિ માટે અમલમાં મૂકાયા છે. એરોસોલ જનરેટિંગ પ્રોસિજર હાથ ધરવા સીવાય અન્ય કોઇ વધુ સાવચેતીની જરૂર નથી. પરંતુ ફ્યુનરલ ડાયરેક્ટર્સને ચેતવણી આપવામાં આવી છે કે શરીરમાંથી નીકળતા પ્રવાહી અને પેશીઓ દ્વારા ચેપનું સતત જોખમ રહેવાની સંભાવના છે.
એસોસિએશન ઑફ એનાટોમિકલ પેથોલોજી ટેક્નોલોજી (એએપીટી) અને રોયલ કોલેજ ઓફ પેથોલોજિસ્ટ્સની ટ્રાન્સમિશન-આધારિત ચેપ લાગવાની શકયતાઓ સામે સાવચેતી રાખવા જરૂરી પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ (પીપીઇ) પહેરવા જણાવાય છે. સમુદાયો, સંગઠનો અને વ્યક્તિઓને ચેપ ન ફેલાય તે માટે મૃતદેહથી અને વ્યક્તિઓ વચ્ચે ઓછામાં ઓછુ 2 મીટરનું સલામત અંતર જાળવવા, ફક્ત મરનારના ઘરના અને નજીકના પરિવારના સભ્યોને જ હાજર રહેવા સલાહ આપવામાં આવી છે. મૃતકના ઘરના અથવા કુટુંબના સભ્યો હાજર ન હોય તો મિત્રો હાજર રહી શકે છે.
મૃતકની માંદગી દરમિયાન તેમના ઘરના સભ્યોને પહેલેથી જ વાયરસનો ચેપ લાગ્યો હશે તેમ માનીને સંવેદનશીલ અને વૃદ્ધ લોકોને ચેપ ન લાગે તે માટે ખાસ કાળજી લેવાવી જોઇએ. અંતિમ સંસ્કાર માટે મુસાફરી કરતી વખતે અને દરેક તબક્કે સામાજિક અંતર અંગેની સલાહનું પાલન કરવું જોઈએ.
શોક વ્યક્ત કરનારાએ હાથ મિલાવવા, ભેટવું કે અન્ય સીધો શારીરિક સંપર્ક ટાળવો જોઈએ અને સૌએ હાથ ધોવાની અને હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવાની તેમ જ ચેપ ન ફેલાય તે માટેની સામાન્ય સલાહ અનુસરવી જોઈએ. શોક કરનારા કે મૃતકના સગાઓ કોરોના વાઈરસના લક્ષણો ધરાવતા હોય તો તેમણે કોઇ પણ વિધિમાં હાજર રહેવુ જોઇએ નહી.
અંતિમવિધિમાં હાજર રહેતા અને શોકસભા કે પ્રાર્થના સભામાં જતા લોકોએ પણ સામાજિક અંતર જાળવવું જોઇએ. કોરોના વાઈરસના રોગ (COVID-19) ના લક્ષણો ધરાવતા કે પરિવારના કોઇ સભ્ય બિમાર હોય તો તેમણે ધાર્મિક વિધિઓ અથવા ધાર્મિક મેળાવડામાં ભાગ ન લેવો જોઈએ. જેમણે પી.પી.ઇ. પહેર્યા હોય અને તેના યોગ્ય ઉપયોગની તાલિમ મેળવી હોય તેમણે જ મૃતદેહને સ્પર્શ કરવો જોઈએ.
પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ અને રેર એન્ડ ઇમ્પોર્ટેડ પેથોજેન્સ લેબોરેટરીના જણાવ્યા મુજબ મૃતદેહની હેરફેર દરમિયાન સંભવિત ડ્રોપલેટ જનરેશન થવાની, પોસ્ટ મોર્ટમ દરમિયાન પાવર ટૂલ્સના ઉપયોગથી એરોસોલ જનરેશનના જોખમની શક્યતા રહેલી છે. રૂમ ટેમ્પરેચરમાં મૃતદેહ પર 48થી 72 કલાક સુધી વાઈરસ ટકી શકે છે. મૃતદેહો રેફ્રિજરેશનની સ્થિતિમાં જાળવી રાખવામાં આવે તો તે વાઈરસ લાંબા સમય સુધી ટકી શકે છે. બોડી બેગ જરૂરી માનવામાં આવતી નથી, પરંતુ અન્ય વ્યવહારિક કારણોસર તેનો ઉપયોગ કરાય છે. મૃતકના મોં ઉપર કપડું અથવા માસ્ક મૂકવાથી એરોસોલ્સનો ફેલાવો અટકાવવામાં મદદ થાય છે. મરનારના શરીરને કેમ સાચવવું તેની પ્રોફેશનલ તાલીમ મેળવી હોય તેવી વ્યક્તિના હાજરીમાં મૃતકના દર્શન પણ શક્ય છે.