એમ્ફાન ચક્રવાત પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના 12.30ના બુલેટિન મુજબ પશ્ચિમ બંગાળના દીઘાથી ચક્રવાત ફક્ત 95 કિ.મીના અંતરે છે અને તે સીવીયર સાયક્લોન તરીકે ત્રાટકી શકે છે. સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા પર એમ્ફાન ત્રાટકે તેવી આગાહી કરવામાં આવી છે. ચક્રવાત ત્રાટકશે ત્યારે દરિયામાં 4થી 6 મીટર ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. ચક્રવાત સુંદરવન દ્વિપકલ્પ વિસ્તારમાં ટકરાશે.
ચક્રવાત સમયે 155-165 કિ.મી પ્રતિ કલાકની ઝડપ પવન ફૂંકાઈ શકે છે જો કે મહત્તમ 185 કિ.મી પ્રતિ કાલે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કોલકાતાના ઉત્તર 24 પરગના જિલ્લામાં જોગેશગંજના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો તેમજ તેમના પશુધનને પણ એડીઆરએફની બચાવ ટુકડી દ્વારા સલામત સ્થળે ખસેડી લેવાયા છે. એમ્ફાન ચક્રવાતને પગલે સંભવિત ખતરાને ટાળવા કોલકાતા એરપોર્ટ પર ગુરુવાર સવારના 5 વાગ્યા સુધી તમામ કાર્ગો તેમજ રાહત ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે.
બુધવારે બપોર સુધીમાં પશ્ચિમ બંગાળના દીઘા તેમજ બાંગ્લાદેશના તટે એમ્ફાન ત્રાટકે તેવી શક્યતા છે. એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યા મુજબ ચક્રવાતના સંકટને પગલે કોલકાતા એરપોર્ટ પર આવતીકાલ સવાર સુધી તમામ ફ્લાઈટ સંચાલન કામગીરી રદ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગની 11.30 કલાકની માહિતી મુજબ ચક્રવાત પ. બંગાળના દિઘાથી દક્ષિણ તરફ 125 કિ.મીના અંતરે હતું અને તે સીવીયર સાયક્લોનિક સ્ટોર્મ તરીકે ત્રાટકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
ચક્રવાત દરિયાકાંઠે ત્રાટકશે ત્યારે 180 કિ.મીની ઝડપ પવન ફૂંકાઈ શકે છે. પવનની મહત્તમ ઝડપ 200 કિ.મી પ્રતિ કલાકની રહેવાની વકી છે.એમ્ફાનની અસર ઓડિશાના તટે પણ જોવા મળી રહી છે. બુધવારે સવારથી ઓડિશાના દરિયાકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. પવનની ઝડપ વધુ હોવાથી સંખ્યાબંધ ઝાડ પણ ઉખડી ગયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.કાંઠા વિસ્તાર તેમજ નીચાણવાળા વિસ્તારમાં રહેતા 1.25 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
તંત્ર દ્વારા બાલાસોર સહિતના કેટલાક સ્થળોએ બચાવ અને રાહત કામગીરી હાથ ધરાઈ છે. વિશેષ રાહત કમિશનર પી કે જેનાએ આપેલી વિગતો મુજબ પુરી, ખુરદા, જગતસિંહપુરા, કટક, કેન્દ્રપાડા, જાજપુર, ગંજમ, ભદ્રાક અને બાલાસોર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે.ઓડિશાના પારાદિપથી એમ્ફાન ચક્રવાત 120 કિ.મી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ સ્થિત છે. ચક્રવાત પશ્ચિમ બંગાળના દિઘા તેમજ બાંગ્લાદેશના હતિયા ટાપુ આસપાસ ત્રાટકી શકે છે.
તંત્રના જણાવ્યા મુજબ ઈરાસામા, પારાદિપ અને જગતસિંહપુર જિલ્લામાં સંખ્યાબંધ ઝાડ પડી ગયા છે. સ્ટેટ ડિઝાસ્ટરની ટીમોને કાંઠા વિસ્તારમાં એલર્ટ કરી દેવામાં આવી છે જેથી સ્થળાંતરની કામગીરી ઝડપથી હાથ ધરી શકાય. બંગાળના અખાતમાં 1999 પછી એટલે કે 21 વર્ષના લાંબા સમય બાદ સૌથી શક્તિશાળી ચક્રવાત સર્જાયું છે. એમ્ફાનનો અર્થ આકાશ થાય છે અને થાઈલેન્ડે આ નામ આપ્યું છે. 1999માં આવેલા સુપર સાયક્લોને 10,000 લોકોનો ભોગ લીધો હતો તેમજ મોટાપાયે ખુવારી જોવા મળી હતી. ત્યારબાદ ગત વર્ષે ફણી ચક્રવાતને પગલે 3 મેના ઓડિશામાં 64 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને વીજ, સંચાર તેમજ અન્ય માળખાકીય ક્ષેત્રે નોંધપાત્ર નુકાસન વેઠવું પડ્યું હતું.