ગુજરાતમાં સંખ્યાબંધ શહેરો અને ગામડામાં લોકો સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરી રહ્યાં હોવા છતાં કોરોનાના દૈનિક કેસનો આંકડો 11,000ને પાર કરી ગયો હતો. રાજ્યમાં સોમવારે કોરોના વાઇરસના નવા 11,403 નવા કેસ નોંધાયા હતા અને 117 દર્દીઓના મોત થયા હતા. નવા કેસો સામે 4,179 દર્દીઓ કોરોનામુક્ત બન્યાં હતા. રાજ્યમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને 5,494 થયો હતો. સમગ્ર રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી ગંભીર સ્થિતિ છે, અમદાવાદમાં સોમવારે 4,000થી વધુ નવા કેસ નોંધાયા હતા અને 23 વ્યક્તિના મોત થયા હતા. સુરતમાં 1,879, વડોદરામાં 426 અને રાજકોટમાં 763 નવા કેસ નોંધાયા હતા, એમ સોમવારે સાંજે સત્તાવાર ડેટામાં જણાવાયું હતું.
સરકારના ડેટા અનુસાર રાજ્યમાં કોરોના કુલ કેસનો આંકડો 4 લાખને પાર કરી ગયો હતો. આની સામે આશરે 3.41 લાખ લોકો કોરોનાથી રિકવર થયા હતા. રિકવરી રેટ ઘટીને 82.15 ટકા થયો હતો. સોમવારે કોરોનાથી સુરતમાં 28, વડોદરામાં 8, રાજકોટમાં 7, સુરેન્દ્રનગરમાં 6, જામનગરમાં 4, ભરુચમાં 3ના મોત થયા હતા. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો વધીને વધીને 68,413 થયો હતો, જેમાંથી 341 દર્દી વેન્ટિલેટર પર હતા અને 68,413 લોકોની હાલ સ્થિર હતી.
રાજ્યમાં ખાસ કરીને અમદાવાદ, સુરત અને રાજકોટની સ્થિતિ વધુ ગંભીર છે. આ શહેરોમાં હોસ્પિટલો દર્દીથી ઉભરાઈ રહી છે અને સ્મશાનગૃહોમાં લાંબી લાઇનો લાગે છે. રાજ્યમાં મેડિકલ ઓક્સિન અને રેમડેસિવિર જેવી દવાઓની અછત ઊભી થઈ છે. અમદાવાદમાં અનેક વિસ્તારો અને બજારોમાં સ્વૈચ્છિક લોકડાઉન પાળવામાં આવી રહ્યું છે.