મધ્યપ્રદેશમાં એક ચૂંટણીસભાને સંબોધતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જો તેમની પાર્ટી કેન્દ્રમાં સત્તા પર આવશે, તો તે દેશમાં વસતા OBCની ચોક્કસ સંખ્યા જાણવા માટે જાતિ આધારિત વસ્તીગણતરી કરશે. તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને કેન્દ્ર સરકારના અધિકારીઓ દેશના કાયદા ઘડતા હોવાનો પણ દાવો કર્યો હતો. ભાજપ શાસિત મધ્યપ્રદેશમાં ચાલુ વર્ષના અંત ભાગમાં ચૂંટણી યોજવાની છે અને કોંગ્રેસ જાતિવાદનો મુદ્દો ઉઠાવવા માગે છે.
રાજ્યના શાજાપુર જિલ્લાના કાલાપીપલ વિધાનસભા ક્ષેત્રમાં એક જાહેર સભાને સંબોધતા કોંગ્રેસ નેતાએ રાજ્યને ભ્રષ્ટાચારનું કેન્દ્ર ગણાવીને દાવો કર્યો હતો કે ભાજપના શાસનમાં છેલ્લાં 18 વર્ષ 18,000 ખેડૂતોએ તેમના જીવનનો અંત આણ્યો છે. સત્તામાં આવ્યા પછી ટૂંક સમયમાં અમે સૌ પ્રથમ ઓબીસી અને અન્ય વર્ગોની ચોક્કસ સંખ્યા જાણવા માટે જાતિ આધારિત વસ્તી ગણતરી કરીશું, કારણ કે તેમની ચોક્કસ સંખ્યા કોઈને ખબર નથી.
દેશને માત્ર 90 અધિકારીઓ ચલાવતા હોવાનો દાવો કરીને તેમણે જણાવ્યું હતું કે દેશમાં નીતિઓ અને કાયદા ઘડવામાં ભાજપના સાંસદો અને ધારાસભ્યોની કોઇ ભૂમિકા નથી. ભાજપના ચૂંટાયેલા સભ્યોને બદલે આરએસએસ અને અમલદારો કાયદા ઘડી રહ્યા છે… આરએસએસએ મુખ્ય મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવાનું કામ સરકારને આપ્યું છે. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખે કહ્યું હતું કે ગૃહમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ બોલ્યા બાદ તેમને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. મેં આ મુદ્દો ઉઠાવ્યા પછી ભાજપે મારુ સભ્યપદ રદ કરું દીધું. મને તેની ચિંતા નથી. હું સાચું બોલીશ. મહિલા અનામત કાયદા અંગે તેમણે કહ્યું કે તેને લાગુ કરવામાં લગભગ 10 વર્ષનો સમય લાગશે સરકારે અન્ય પછાત વર્ગ (ઓબીસી) શ્રેણીની મહિલાઓ માટે કોઇ અનામત રાખી નથી.