Anant Ambani and Radhika Merchant got engaged in a traditional ceremony
(ANI Photo)

બિલિયોનેર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિક મર્ચન્ટની મુંબઈમાં અંબાણી નિવાસસ્થાને ગુરુવારે પરંપરાગત વિધિથી સગાઈ કરવામાં આવી હતી. અનંત તથા રાધિકાએ પરિવાર અને મિત્રોની હાજરીમાં એકબીજાને રિંગ્સ પહેરાવી અને સપ્તપદીના આગામી બંધન માટે પરિવારના આશીર્વાદ માગ્યા હતા. ગોળ ધાણા અને ચુંદડી વિધિ કરવાની સાથે અનંત અને રાધિકાના પરિવારો વચ્ચે આશીર્વાદ અને ભેટોની આપ-લે થઈ હતી.

બંને પરિવારોએ એકબીજાને ભેટો અને શુભેચ્છાઓની આપ-લે સાથે અનહદ આનંદ પણ વહેંચ્યો હતો. અનંતના માતા નીતા અંબાણીની આગેવાનીમાં અંબાણી પરિવારના સભ્યો દ્વારા સૌને આશ્ચર્યચકિત કરતું એક પર્ફોર્મન્સ પણ આયોજિત કરવામાં આવ્યું હતું.

સાંજના પ્રસંગની શરૂઆત અંબાણી પરિવારના સભ્યોએ અનંતની બહેન ઈશાની આગેવાનીમાં રાધિકા અને તેમના પરિવારને સાંજના ફંક્શનમાં આમંત્રિત કરવા મર્ચન્ટ પરિવારના ઘરે જઈને થઈ હતી. અંબાણી પરિવારે તેમના નિવાસસ્થાને આરતી અને મંત્રોચ્ચાર વચ્ચે મર્ચન્ટ પરિવારનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બંને પરિવારો અનંત અને રાધિકા સાથે તેમના ભાવિ બંધન અને સાંજના સમારંભો માટે ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ મેળવવા માટે મંદિરમાં ગયા હતા.

નીતા અને મુકેશ અંબાણીના પુત્ર અનંતે અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે અને ત્યારથી જિયો પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સભ્ય છે. શૈલા અને વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા ન્યૂ યોર્ક યુનિવર્સિટીના સ્નાતક છે અને એન્કોર હેલ્થકેરના બોર્ડમાં ડિરેક્ટર છે.

LEAVE A REPLY