બાલ્ટીમોર બ્રિજ સાથે અથડાયેલ કન્ટેનર જહાજના 20 ભારતીયો અને શ્રીલંકન ક્રૂ મેમ્બર્સ તેમની રાબેતા મુજબની ફરજોમાં વ્યસ્ત છે અને આ અકસ્માતની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ જહાજમાં રહેશે. ડાલી નામનું કન્ટેનર જહાજ 26 માર્ચની વહેલી સવારે બાલ્ટીમોરમાં 2.6-કિમી-લાંબા ચાર-માર્ગીય ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ સાથે અથડાયું હતું અને સમગ્ર બ્રિજ ધરાશાયી થયો હતો.
ગ્રેસ ઓશન પીટીઈ અને સિનર્જી મરીનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જહાજમાં 21 ક્રૂ સભ્યો છે તેની પુષ્ટી મળી છે. ક્રૂ મેમ્બર્સ જહાજ પર તેમની સામાન્ય ફરજોમાં વ્યસ્ત છે તેમજ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અને કોસ્ટ ગાર્ડના તપાસકર્તાઓને મદદ કરી રહ્યાં છે. 984 ફૂટનું કાર્ગો જહાજ કોલંબો જઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
ક્રૂ મેમ્બર્સ કેટલા સમય સુધી જહાજ પર રહેવું પડશે તેવા સવાલના જવાબમાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે “હાલના તબક્કે અમને ખબર નથી કે તપાસ પ્રક્રિયામાં કેટલો સમય લાગશે અને જ્યાં સુધી તે પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ક્રૂ મેમ્બર્સ જહાજ પર રહેશે.” સિંગાપોર-ધ્વજ સાથેનું આ જહાજ ગ્રેસ ઓશનની માલિકીનું છે અને તેનું સંચાલન સિનર્જી મરીન ગ્રુપ દ્વારા કરવામાં આવે છે.