કતારમાં કથિત જાસૂસીના આરોપસર જેલમાં બંધ ભારતીય નૌકાદળના સૈનિકોને કતારે મુક્ત કર્યા હતા. આ સૈનિકો સોમવાર, 12 ફેબ્રુઆરીએ નવી દિલ્હી આવી પહોંચ્યાં હતા. . (PTI Photo)

કતારમાં જાસૂસીના આરોપસર ફાંસીની સજા પામેલા ભારતીય નૌકાદળના આઠ માજી સૈનિકોને મુક્ત કરાવવામાં ભારતને મોટી રાજદ્રારી સફળતા મળી છે. કતાર સરકારે આ તમામ માજી સૈનિકોને જેલમાંથી મુક્ત કર્યા છે અને તેમાંથી સાત સૈનિકો ભારત પરત આવી ગયા છે. આ સૈનિકો છેલ્લાં 18 મહિનાથી કતારની જેલમાં બંધ હતાં અને સ્થાનિક કોર્ટે તેમને ફાંસીની સજા કરી હતી.

સોમવારે ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે “ભારત સરકાર દહરા ગ્લોબલ કંપની માટે કામ કરતા આઠ ભારતીય નાગરિકોની મુક્તિને આવકારે છે, જેમની કતારમાં અટકાયત કરવામાં આવી હતી. આઠમાંથી સાત પૂર્વ સૈનિકો ભારત પરત ફર્યા છે. ભારતીય નાગરિકોની મુક્તિ અને સ્વદેશ પરત મોકલવાના કતારના અમીરના નિર્ણયની અમે પ્રશંસા કરીએ છીએ.

સૂત્રોએ જણાવ્યું હતું કે આ નિવૃત્ત સૈનિકો પાસે તેમની મુક્તિની અગાઉની માહિતી ન હતી અને તેઓને મુક્ત કરવામાં આવ્યા પછી તરત જ દૂતાવાસના અધિકારીઓ તેમને લઈ ગયા હતા. તેઓ ગઈકાલે ઈન્ડિગોની ફ્લાઈટમાં બેઠા હતાં અને સવારે 2 વાગ્યા પછી પાછા ફર્યા હતા.

નૌકાદળના નિવૃત્ત સૈનિકોએ તેમની મુક્તિને સુનિશ્ચિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકારનો આભાર માન્યો હતો.

કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન સૌરભ વસિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને નાવિક રાગેશની ઓગસ્ટ 2022માં ધરપકડ કરાઈ હતી અને ત્યારથી તેઓ જેલમાં હતાં.

તેઓ એક ખાનગી ડિફેન્સ કંપની દહરા ગ્લોબલમાં નોકરી કરતા હતા અને તેઓ કતારમાં કતારી એમિરી નેવલ ફોર્સમાં ઇટાલિયન U212 સ્ટીલ્થ સબમરીન દાખલ કરવામાં મદદ કરવામાં મદદ કરતાં હતા.

કતારની અદાલતે 26 ઓક્ટોબર, 2023ના રોજ તેઓને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. ભારતે કોર્ટના ચુકાદાને આઘાતજનક ગણાવ્યો હતો અને તમામ કાનુની વિકલ્પોની ચકાસણી કરવાની જાહેરાત કરી હતી. દુબઈમાં COP28 સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી કતારના અમીર શેખ તમિમ બિન હમાદ અલ-થાનીને મળ્યાના અઠવાડિયા પછી ડિસેમ્બરમાં ફાંસીની સજા હળવી કરાઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા એક સૈનિકે જણાવ્યું હતું કે “અમે ખૂબ જ ખુશ છીએ કે અમે સુરક્ષિત રીતે ભારતમાં પાછા આવ્યા છીએ. ચોક્કસપણે, અમે પીએમ મોદીનો આભાર માનવા માંગીએ છીએ કારણ કે તેમના વ્યક્તિગત હસ્તક્ષેપને કારણે આ  શક્ય બન્યું છે.”

બીજા એક સૈનિકે જણાવ્યું હતું કે “અમે ભારતમાં પાછા આવવા માટે લગભગ 18 મહિના સુધી રાહ જોઈ. અમે PMના અત્યંત આભારી છીએ. તેમના અંગત હસ્તક્ષેપ અને કતાર સાથેના તેમના સંબંધો વિના આ શક્ય ન બન્યું હોત. અમે ભારત સરકારનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.”

 

LEAVE A REPLY

18 − eighteen =