પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. ૧૩,૦૦૦ કરોડની છેતરપિંડી કેસમાં ભાગેડૂ જ્વેલર્સ નીરવ મોદી તથા મેહુલ ચોક્સીને મદદ કરનારા પંજાબ નેશનલ બેંકના ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટી તથા રૂ. ૨.૬૩ કરોડની બિનહિસાબી સંપત્તિ ધરાવનાર તેમની પત્ની સામે સીબીઆઇએ નવી ચાર્જશીટ ફાઇલ કરી હતી.
સીબીઆઇએ શેટ્ટી અને ઈન્ડિયન બેંકમાં ક્લર્ક તરીકે કામ કરતી તેની પત્ની આશાલતા શેટ્ટી સામે ૨૦૧૧-૧૭ દરમિયાન રૂ. ૪.૨૮ કરોડની બિનહિસાબી સંપત્તિ ઊભી કરવામાં ભ્રષ્ટાચાર આચર્યાનો આરોપ મૂક્યો છે. આ સમયગાળા દરમિયાન પીએનબીની મુંબઈની બ્રાડી હાઉસ ખાતેની શાખામાં કૌભાંડ કરવામાં આવ્યું હતું જ્યાં તેઓ કામ કરતા હતા.
સીબીઆઇ દ્વારા નવેમ્બર, ૨૦૧૮માં શેટ્ટી અને તેની પત્ની સામે અલગ અલગ એફઆઇઆર નોંધવામાં આવી હતી. શેટ્ટી દંપતીએ ઉક્ત છ વર્ષના સમયગાળામાં રૂ. ૭૨.૫૨ લાખની આવકથી મુંબઈમાં પોતાના અને પરિવારના સભ્યોના નામે મિલકત ખરીદી હતી. ગોરેગાંવમાં રૂ. ૪૬.૬૨ કરોડનો ફ્લેટ ખરીદ્યો હતો તથા મુંબઈમાં અન્ય જગ્યાએ ત્રણ ફ્લેટ માટે એડવાન્સ બુકિંગના નાણાં પણ ચૂકવ્યા હતા. આ સિવાય એજન્સી દ્વારા રૂ. ૫૭ લાખની ફિક્સ ડિપોઝિટ, બેંક બેલેન્સ અને રિકરિંગ એકાઉન્ટની પણ તપાસ કરશે.