વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશમાં વિશ્વની સૌથી લાંબી ટનલનું શનિવારે ટનલનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યના રોહતાંગમાં અંદાજે 10 હજાર ફૂટની ઊંચાઈએ નિર્માણ પામેલી આ ટનલની લંબાઈ 9.2 કિલોમીટર છે, જે 10 વર્ષના અંતે બની છે. આ ટનલનું નામ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપાઇ સાથે જોડવામાં આવ્યું છે. હિમાલયના પીર પંજાલ પર્વતમાળામાં રોહતાંગ પાસે નીચે લેહ-મનાલી હાઈવે પર આ ટનલ બનાવાઇ છે, જેનાથી મનાલી અને લેહ વચ્ચેનું અંતર ઘટની 46 કિલોમીટર થઈ જશે અને ચાર કલાકનો સમય બચશે. આ ટનલનું લોકાર્પણ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, આજે માત્ર અટલજીનું જ સપનું પૂર્ણ નથી થયું, પરંતુ હિમાચલ પ્રદેશના કરોડો લોકોનું પણ દાયકા જૂની રાહ જોવાનું સમાપ્ત થયું છે. મારું સૌભાગ્ય છે કે મને આજે અટલ ટનલના લોકાર્પણની તક મળી.
ટનલની વિશેષતા
ટનલને કારણે મનાલી અને લાહુલ-સ્પિતી ઘાટી 12 મહિના જોડાયેલા રહેશે. ભારે હિમવર્ષાને કારણે આ ઘાટીનો છ મહિના સુધી સંપર્ક તૂટી જાય છે. ટનલમાંથી પસાર થતી વખતે એવું લાગશે કે સીધા સપાટ રસ્તા પર જઈ રહ્યા છીએ, પરંતુ ટનલના એક ભાગ અને બીજામાં 60 મીટર ઊંચાઈનો તફાવત છે. સાઉથ પોલ સમુદ્ર તળથી 3000 મીટરની ઊંચાઈ પર આવેલું છે, જ્યારે નોર્થ પોલ 3060 મીટર ઊંચું છે. આ ટનલ 10.5 મીટર પહોંળી અને 10 મીટર ઊંચી છે, તેના નિર્માણમાં રૂ. 2958 કરોડનો ખર્ચ થયો છે. આ ટનલને બનાવવામાં 10 વર્ષનો સમય થયો છે, તેમાં દર 150 મીટરના અંતરે 4-Gની સુવિધા ઉપલબ્ધ છે.