હાર્દિક પટેલ (Photo by SAJJAD HUSSAIN/AFP via Getty Images)

કોંગ્રેસ પ્રત્યે જાહેરમાં નારાજગી વ્યક્ત કર્યા બાદ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે તેઓ કોંગ્રેસમાં જ છે અને પક્ષ માટે 100 ટકા કામગીરી કરશે. દાહોદમાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, “જ્યારે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે મારે મારી જવાબદારી નિભાવવાની હોય, હું કોંગ્રેસ પાર્ટમાં છું, તો મારે 100 ટકા પાર્ટીને આપવાના છે. મેં પહેલા પણ કહ્યું છે કે માત્ર કોંગ્રેસ પાર્ટી નહીં જ્યારે-જ્યારે હું આંદોલનની ભૂમિકામાં હતો, ત્યારે પણ મેં મારા 100 ટકા આપવાનો પ્રયાસ કર્યો છે.”

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ભાજપમાં જોડાશે કે કોંગ્રેસમાં તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે ત્યારે હાર્દિકે તેમનું નામ લઈને કહ્યું કે તેમણે જલદી આ અંગે નિર્ણય લઈ લેવો જોઈએ. હાર્દિકે કહ્યું કે, “હું ઈચ્છું છું કે જલદીમાં જલદી એક નિરાકરણ આવી જાય.”

નરેશ પટેલ અંગે હાર્દિકે આગળ કહ્યું કે, “મેં પહેલા પણ કહ્યું છે અને હજુ પણ કહું છું, જેટલો મોડો નિર્ણય કરવામાં આવશે એટલી ગુજરાતના લોકોની ચિંતા વધશે. તમે જલદી કોઈ સારો નિર્ણય કરશો તો ગુજરાતના લોકો રાજી છે.”પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં ફેરફાર કરવાના મુદ્દે હાર્દિક પટેલે કહ્યું, “આવું તો મે પહેલા પણ કર્યું છે, આપણે ડીપી (ડીસ્પ્લે પિક્ચર) કઈ રીતે બદલીએ છીએ, આપણે સ્ટેટસ કઈ રીતે બદલીએ છીએ એ રીતે. હું કોંગ્રેસનો કાર્યકારી પ્રમુખ છું તેના કરતા કોંગ્રેસનો કાર્યકર છું તે મોટી વાત છે.”