Devotees protest against Mohanthal Prasad being stopped in Ambaji

ઉત્તર ગુજરાતના યાત્રાધામ અંબાજીમાં મા અંબેના મંદિરમાં મોહનથાળના પ્રસાદનું અનોખું મહત્ત્વ છે. હવે ભક્તોને મોહનથાળનો પ્રસાદ નહીં મળે. વહીવટી તંત્ર દ્વારા મોહનથાળના પ્રસાદનું વિતરણ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણય સામે ભક્તોએ વિરોધ નોંધાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિરમાં વર્ષોથી ચાલતો આવતા મોહનથાળના મહાપ્રસાદ શુક્રવારે બપોરે સ્ટોક પૂર્ણ થવાની સાથે બંધ કરી દેવાયો છે. હવે તેના બદલે ચીકીના પ્રસાદનું વિતરણ શરૂ કરાયું છે. મોહનથાળ એ અંબાજી મંદિરના મહાપ્રસાદની ઓળખ બની ગઈ છે. મા અંબાનો મોહનથાળનો પ્રસાદ ગુજરાત નહીં પણ દેશભરમાં વખણાય છે. માતાજીના દર્શન કર્યા બાદ મોહનથાળનો પ્રસાદ ગ્રહણ ન કરે તો યાત્રા પણ અધૂરી ગણાય તેવી માન્યતા શ્રદ્ધાળુઓમાં છે. જ્યાં વર્ષે લાખો કિલોનો મોહનથાળ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વેચાણ કરવામાં આવે છે.

આ મોહનથાળનો પ્રસાદ બાળકથી લઈ વૃદ્ઘા સુધીના લોકો સહજ પણે આરોગી શકતા હતા. હવે ચીકીનો પ્રસાદ બાળકો અને વૃદ્ધોને કડક પડી શકે છે. અંબાજી મોહનથાળ પ્રસાદના પેકેટ પેકિંગ દ્વારા 300થી વધુ મહિલાઓ રોજિંદી આવક રળી ઘરનું ગુજરાન ચલાવતી હતી. હવે મોહનથાળના પેકિંગ બંધ કરતાં આ મહિલાઓ ઉપર પર આર્થિક સંકટના વાદળો છવાયા છે, મંદિરમાં ચીકીના પ્રસાદની સાથે મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવામાં આવે તેવી માગ સાથે વહીવટીતંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

હિન્દુ હિત રક્ષા સમિતિએ 48 કલાકમાં અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ ન કરાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. હિન્દુ રક્ષા સમિતિના સભ્યો દ્વારા અંબાજી બંધ રાખી અને ભૂખ હડતાલ પર ઉતરવાની પણ તૈયારી બતાવી છે. હિન્દુ રક્ષા સમિતિના કાર્યકર્તાઓ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા.

LEAVE A REPLY

one + seven =