
ભારતીય સશસ્ત્ર દળોએ સોમવારે પુનરોચ્ચાર કર્યો હતો કે ઓપરેશન સિંદૂરમાં ફક્ત પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં આતંકવાદી છાવણીઓને ટાર્ગેટ કરાયા હતાx અને તેમાં થયેલા કોઈપણ નુકસાન માટે ઇસ્લામાબાદ પોતે જવાબદાર છે. ભારતીય આર્મીની ત્રણેય પાંખની છાવણી, એરફિલ્ડ, ડિફેન્સ યુનિટ સંપૂર્ણ કાર્યરત રહ્યાં છે અને ભવિષ્યમાં જરૂર પડ્યે તો કોઇ પણ મિશન હાધ ધરવા સજ્જ છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષ વિશે વધુ માહિતી આપવા ભારતના ત્રણેય લશ્કરી દળોના ડાયરેક્ટર જનરલોએ સોમવારે ફરી એક વખત મીડિયાને સંબોધન કર્યું હતું. જીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું કે ‘અમારી લડાઈ આતંકવાદ વિરૂદ્ધ હતી. અમે 7 મેના રોજ માત્ર આતંકવાદીઓને ટાર્ગેટ કર્યા હતાં, પરંતુ પાકિસ્તાનની આરમીએ આતંકવાદનો સાથ આપ્યો હતો. ડાયરેક્ટર જનરલ એર ઓપરેશન્સ એર માર્શલ એ કે ભારતી, DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ અને ડિરેક્ટર જનરલ નેવલ ઓપરેશન્સ વાઈસ એડમિરલ એ. એન. પ્રમોદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.
તેમાં જણાવાયું હતું કે પાકિસ્તાનના ડ્રોનને શોલ્ડર ફાયર હથિયારો વડે નિષ્ફળ બનાવવામાં આવ્યા હતાં. બીએસએફ જવાનો પણ અમારા આ અભિયાનમાં મજબૂતપણે જોડાયા હતાં. ભારતીય નૌકાદળે સહકાર આપ્યો હતો અમે સતત સર્વેલન્સના આધારે પાકિસ્તાનની હિલચાલ પર નજર રાખતાં રહ્યા. ભારતની એર ડિફેન્સ સિસ્ટમ સુરક્ષિત રહી હતી. આકાશ એર ડિફેન્સ સિસ્ટમે શાનદાર દેખાવ કર્યો હતો. પાકિસ્તાન દ્વારા વાપરવામાં આવેલી ચીનની PL-15 મિસાઇલ તોડી પાડવામાં આવી હતી. તૂર્કિયેમાં નિર્મિત ડ્રોન અને ચીનની મિસાઈલને નિષ્ફળ બનાવવામાં આવી. તેના અમુક ટુકડાંઓ મળી આવ્યા છે. આતંકવાદીઓ પર હુમલાઓ અમે નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદને પાર કર્યા વિના જ કર્યા હતાં. અમે તેની સંપૂર્ણ તૈયારીઓ કરી હતી.
