Vikram Doraiswamy

ભારતના ત્રીજા મૂન મિશન ચંદ્રયાન-3નું ગયા મહિને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ બાદ ભારતના યુકે સ્થિત હાઇ કમિશ્નર શ્રી વિક્રમ દોરાઈસ્વામીએ લંડનથી પ્રસિધ્ધ થતા ડેઇલી ટેલિગ્રાઇ દૈનિકમાં કોલમ લખતાં જણાવ્યું હતું કે ‘’ભારત તેના અવકાશ કાર્યક્રમમાં વિદેશથી મળેલી રકમનો ‘બગાડ’ કરતું નથી. ભારતે કદી પણ આ “સહાય” માટે વિનંતી કરી નથી અને આ સહાયનો ઉપયોગ કોઈ પણ ભારતીય સરકાર કરતી નથી.’’

મોટા પાયા પર ભારત જેવો વિકાસશીલ દેશો અવકાશમાં નાણાંનો “બગાડ” કરે છે એવા અખબારી ને સોસ્યલ મીડીયા અહેવાલો બાદ હાઇ કમિશ્નર શ્રી વિક્રમ દોરાઈસ્વામીએ જણાવ્યું હતું કે ‘’અમે અમારા સામૂહિક વૈશ્વિક લક્ષ્યોને પૂર્ણ કરવા માટે યુકે સાથે દ્વિપક્ષીય અને બહુપક્ષીય ભાગીદારીને આવકારીએ છીએ. પરંતુ અમને સહાયની કોઇ જરૂર નથી. આ પ્રકારનું ભંડોળ સંપૂર્ણ રીતે યુકે સરકાર દ્વારા જ સીધી અને પસંદ કરાયેલી ભારતની બિન-સરકારી સંસ્થાઓ માટે હોય છે. યુકેની સ્વતંત્ર સંસ્થા ‘કમિશન ફોર એઇડ ઈમ્પેક્ટ’ને યુકે સરકારે આપેલા પ્રતિભાવ મુજબ આ મદદ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ્સનું સમર્થન કરવા અથવા ભારતમાં યુકેના બિઝનેસીસને પ્રોત્સાહન આપવા વપરાય છે. તેથી આ ખર્ચનો લાભ અને તેના લાભાર્થીઓ યુકેની રાજકીય પ્રાથમિકતાઓને અનુરૂપ છે, અમારી વિનંતી પર નહીં.’’

આ લેખમાં જણાવાયું હતું કે ‘’ભારતના કદને જોતાં, આ ભંડોળની વાસ્તવિક રકમ ખરેખર નાની છે. અવકાશ સંશોધન પર નાણાંનો “બગાડ” કરાતો હોવાની વાતો થાય છે પણ ચંદ્ર મિશનનું પ્રોગ્રામ બજેટ $75 મિલિયન હતું. જ્યારે હોલીવુડની ફિલ્મ એવેન્જર્સ: એન્ડગેમના નિર્માણ માટે $356 મિલિયનનો ખર્ચ કરાયો હતો. અમારો સ્પેસ પ્રોગ્રામ અત્યંત મૂલ્યવાન વિકાસલક્ષી સેવાઓ પ્રદાન કરે છે. વડાપ્રધાન મોદીએ 26 ઓગસ્ટે બેંગલુરુમાં સ્પેસ હેડક્વાર્ટરમાં કહ્યું હતું તેમ, અવકાશ સંશોધન કરતાં વધુ, સ્પેસ પ્રોગ્રામના ડેટાનો સીધો ઉપયોગ ખેડૂતો, માછીમારી સમુદાયો, જળ વિભાગો, હવામાનશાસ્ત્રીઓ દ્વારા કરાયો છે અને હવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ડિઝાઇન અને દેખરેખ માટે કરાય છે. ઈન્ટરનેટ સર્વવ્યાપી બનતા પહેલા ભારતના સ્વદેશી નિર્મિત ઉપગ્રહોએ ભારતને આ તમામ જરૂરિયાતો માટે અત્યાધુનિક રિમોટ સેન્સિંગ સેવાઓ તેમજ શિક્ષણ અને આરોગ્ય સંભાળ માટે કોમ્યુનિકેશન્સની સહાય પૂરી પાડી છે.’’

શ્રી વિક્રમ દોરાઈસ્વામીએ જણાવ્યું હતું કે ‘’ભારતના સ્પેસ પ્રોગ્રામે 389 ઉપગ્રહો લોન્ચ કરી છેલ્લા નવ વર્ષમાં લગભગ £320 મિલિયનની કમાણી કરી છે. અમે 2006 થી 450 મિલિયનથી વધુ લોકોને બહુપરિમાણીય ગરીબીમાંથી બહાર કાઢવામાં સફળ થયા છીએ. યુએન ડેવલપમેન્ટ પ્રોગ્રામે નોંધ્યું હતું કે, આ જ સમયગાળામાં, ગરીબીનું પ્રમાણ 55થી ઘટીને વસ્તીના 16 ટકા થયું છે; વીજળીનો અભાવ ધરાવતા લોકોનું પ્રમાણ 24થી ઘટીને 2 ટકા થયું છે; સ્વચ્છતાનો અભાવ 50થી ઘટીને 11 ટકા થયો છે; અને પીવાના પાણીનો અભાવ 16થી ઘટીને 3 ટકા થયો છે. ટૂંકમાં, દરેક ક્ષેત્રમાં વંચિત હોવાના દરમાં ઘટાડો થયો છે.’’

શ્રી દોરાઈસ્વામીએ કહ્યું હતું કે ‘’સાચો પ્રશ્ન એ પૂછાવો જોઇએ કે ભારતમાં આટલી બધી અછત કેમ હતી? 1947માં આપણે બ્રિટિશ શાસનમાંથી આઝાદ થયા ત્યારે ભારતની 370 મિલિયન વસ્તીમાંથી 90 ટકા લોકો ગરીબી રેખાની નીચે જીવતા હતા. લોકોનું સરેરાશ આયુષ્ય 30 વર્ષનું હતું. સ્વતંત્રતા સાથે અમને ગરીબીનું અત્યંત સ્તર, પ્રચંડ માનવ વિકાસલક્ષી પડકારો, હિંસક રીતે વિભાજિત રાષ્ટ્ર, થોડું આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળ્યું હતું. ત્યારે કોઈ અવકાશ કાર્યક્રમ નહતો. અમે લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે અને છેલ્લા એક દાયકામાં તેમાં ટર્બો-ચાર્જ કરાયો છે.’’

LEAVE A REPLY

2 + 18 =