હેરો વેસ્ટના લેબર સાંસદ અને ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ ફોર બ્રિટિશ ગુજરાતીઝ (APPG)ના અધ્યક્ષ ગેરેથ થોમસે ત્રણ એરલાઈન્સ, એર ઈન્ડિયા, બ્રિટિશ એરવેઝ અને વર્જિન એટલાન્ટિકના વડાઓને એક પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ બ્રિટિશ એરપોર્ટથી સીધા ગુજરાત જવા માટે વધારાના સ્લોટ માટે બિડિંગ કરવાનું વિચારે.

ગેરેથ થોમસે એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ કેમ્પબેલ વિલ્સન, બ્રિટિશ એરવેઝના ચીફ એક્ઝિક્યુટિવ શ્રી સીન ડોયલ તથા વર્જિન એટલાન્ટિકના ચીફ એક્ઝિક્યુટિવ શ્રી શાઈ વેઈસને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ‘’બ્રિટિશ ગુજરાતી સમુદાયને ગુજરાતની વધુ સીધી ફ્લાઈટ્સ શરૂ થાય તે માટે મજબૂત સમર્થન અને રસ છે. ગુજરાત ભારતનું સૌથી ઝડપથી વિકસતું રાજ્ય છે. બ્રિટિશ ગુજરાતી સમુદાયના ઘણા સભ્યો માટે કુટુંબ, બિઝનેસ અને રમતગમતના કારણોસર ગુજરાતનો પ્રવાસ કરવો એ એક પડકાર છે. હાલમાં યુકેમાં ગુજરાતની સીધી ફ્લાઈટ ધરાવતું એકમાત્ર એરપોર્ટ ગેટવિક છે અને ગેટવિકથી દૂર રહેતા લોકોએ ફ્લાઇટ પકડવા માટે લાંબા અંતરની મુસાફરી કરવી આવશ્યક થઇ ગઇ છે. યુકે અથવા ભારતમાં કનેક્ટિંગ ફ્લાઇટ્સ લેવાથી મુસાફરીના સમય અને ખર્ચમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.’’

થોમસે જણાવ્યું હતું કે ‘’આગામી ક્રિકેટ વર્લ્ડ કપ ભારત દ્વારા યોજવામાં આવ્યો છે જે 1 મિલિયન કરતા વધુ વસ્તી ધરાવતા બ્રિટિશ ગુજરાતી સમુદાય માટે એક મુખ્ય કાર્યક્રમ હશે. સમાજના ઘણા લોકો મેચ જોવા માટે ભારતની મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા છે. આ તમામ લોકો માટે ડાયરેક્ટ ફ્લાઇટ્સ આને સરળ અને વધુ અનુકૂળ બનશે.’’

શ્રી થોમસે જણાવ્યું હતું કે ‘’ગુજરાતની ફ્લાઈટ્સ માટે સસ્તા અને ઉચ્ચ ગુણવત્તાવાળા બંને વિકલ્પો હોવા જોઈએ. ડિપાર્ટમેન્ટ ફોર ટ્રાન્સપોર્ટ એરલાઈન્સને મોટા એરપોર્ટ પર અસ્થાયી રૂપે સ્લોટ પાછા આપવાની તક આપી રહ્યું છે અને તેની હરાજી કરનાર છે. તેમાં ભાગ લઇને એરલાઈન્સ નવા રૂટના ટ્રાયલ કરી શકે છે અને હાલના રૂટ પર ક્ષમતા વધારવાની કે ગુજરાતની વધુ સીધી ફ્લાઈટ્સ માટે બજારનું પરીક્ષણ કરવાની તક પૂરી પાડે છે.’’

પત્રમાં થોમસે ત્રણેય એરલાઈન્સના વડાઓને ગુજરાતની રાજધાની અમદાવાદ અથવા રાજ્યના અન્ય એરપોર્ટ પર સીધી ઉડાન ભરવા માટેના સ્લોટ માટે બિડિંગ પર વિચાર કરવા અને વિવિધ એરલાઈન્સને પોતાના મંતવ્યો આપવા વિનંતી કરી હતી.

LEAVE A REPLY