કોરોના મહામારી દરમિયાન હકારાત્મક વૃદ્ધિદર નોંધાવીને કૃષિ ક્ષેત્ર દેશના અર્થતંત્રને વહારે આવ્યું હતું, પરંતુ 2020માં આ ક્ષેત્રમાં 2019ની સરખામણીમાં વધુ આપઘાત થયા હતા અને કૃષિ મજૂરોના આપઘાતના કેસોમાં 18 ટકાનો અસાધારણ વધારો થયો હતો. 2020ના વર્ષના કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા 10,677 લોકોએ આપઘાત કર્યો હતો. તેમાં 5,579 ખેડૂતો અને 5,098 કૃષિ મજૂરો હતા, એમ નેશનલ ક્રાઇમ રેકોર્ડસ બ્યૂરો (NCRB)ના વાર્ષિક અહેવાલમાં જણાવાયું હતું.
કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના આપઘાતના કેસ દેશમાં નોંધાયેલા કુલ આપઘાતના આશરે સાત ટકા થાય છે. કૃષિ ક્ષેત્રના કુલ 10,677 લોકોના આપઘાતમાંથી 5,335 પુરુષ હતા અને 244 મહિલા હતી.
કૃષિ ક્ષેત્રમાં આપઘાતના કુલ કેસોમા મહારાષ્ટ્ર ટોચના સ્થાને રહ્યું હતું. મહારાષ્ટ્રમાં કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના આપઘાતના 4,006 કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં 2,016, આંધ્રપ્રદેશમાં 889, મધ્યપ્રદેશમાં 735 અને છત્તીસગઢમાં 537 કેસ નોંધાયા હતા. 2019ના આપઘાતાના કેસની યાદીમાં પણ મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ ટોચના ચાર રાજ્યો રહ્યાં હતા.