REUTERS/Reinhard Krause/File Photo/File Photo

ગ્લોબલ રેટિંગ એજન્સી ફિચે વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર અમેરિકાનું ક્રેડિટ રેટિંગ AAAથી ઘટાડીને AA+ કર્યું હતું. આ રેટિંગની સાથે ‘સ્ટેબલ’ આઉટલૂક આપવામાં આવ્યું હતું. ફિચના અંદાજ મુજબ આગામી ત્રણ વર્ષમાં અમેરિકાની નાણાકીય સ્થિતિ વધુ કથળશે. અમેરિકામાં ફાઈનાન્સ અને ડેટની સ્થિતિ ખરાબ થઈ હોવાથી તેના રેટિંગમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 2011માં બીજી રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે 70 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત અમેરિકાના રેટિંગને AAAથી ઘટાડીને AA+ કર્યું હતું. આ પછી એસ એન્ડ પીએ રેટિંગમાં કોઇ ફેરફાર કર્યો નથી.
ફિચની દલીલ છે કે છેલ્લા 20 વર્ષમાં અમેરિકાની નાણાકીય સ્થિતિ ઘણી નબળી પડી છે. જોકે, અમેરિકાના

નાણાપ્રધાન જેનેટ યેલન આ રેટિંગ સાથે સહમત નથી. યેલનનું કહેવું છે કે આ રેટિંગ જૂના ડેટા પર આધારિત છે. ફિચે 2018થી 2020ના ડેટાના આધાર પર આ રેટિંગ આપ્યું છે.

ફિચ કોઈ પણ દેશને રેટિંગ આપે ત્યારે તેનું મહત્ત્વ એટલા માટે હોય છે કારણ કે આ રેટિંગ પરથી તે દેશમાં મૂડીરોકાણની દિશા નક્કી થાય છે. ખાસ કરીને સરકારી સાધનોમાં રોકાણ કરવા માટે તેનું રેટિંગ જોવામાં આવે છે. અમેરિકન ગવર્નમેન્ટ સિક્યોરિટીઝને વિશ્વમાં સૌથી વધારે સુરક્ષિત ગણવામાં આવે છે કારણ કે તેની ઈકોનોમીનું કદ પણ મોટી છે. આ ઉપરાંત બીજા દેશોની તુલનામાં અમેરિકન અર્થતંત્ર વધારે સ્થિર ગણવામાં આવે છે. બીજી તરફ અમેરિકન સરકાર દ્વારા દેવામાં સતત વધારો થતો જાય છે. US અર્થતંત્રની સાઈઝમાં તેના દેવાનું મોટું પ્રમાણ છે. જૂન મહિનામાં અમેરિકા પહેલી વખત ડિફોલ્ટ થવાના કિનારે આવી ગયું હતું અને છેલ્લી ઘડીએ 31.4 ટ્રિલિયન ડોલર સુધી ડેટની મર્યાદા વધારવામાં આવી હતી.

અગાઉ મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસિસે 1917માં યુએસને AAA રેટિંગ આપ્યું હતું જે સર્વોચ્ચ ક્રેડિટ રેટિંગ ગણાય છે. 2011 સુધી આ રેટિંગ જળવાઈ રહ્યું હતું. ફિચ દ્વારા જે રેટિંગ અપાયું છે તેના કારણે અમેરિકા હવે ઓસ્ટ્રીયા અને ફિનલેન્ડની કેટેગરીમાં આવી ગયું છે, પરંતુ સ્વિટ્ઝર્લેન્ડ અને જર્મની કરતા નીચે છે.

અમેરિકામાં સરકારની ખાધ એક મોટો મુદ્દો બની ગઈ છે. 2022માં ખાધનું પ્રમાણ 3.7 ટકા હતું જે 2023માં વધીને જીડીપીના 6.3 ટકા થયું હતું. બાઈડેન સરકારના અધિકારીઓ દ્વારા ફિચની ટીકા કરવામાં આવે છે, પરંતુ રેટિંગ એજન્સીએ તેનો ખુલાસો પણ કર્યો છે. ફિચે કહ્યું કે આગામી ત્રણ વર્ષમાં યુએસની રાજકોષીય સ્થિતિ કથળી શકે છે અને દેવામાં ઝડપથી વધારો થઈ શકે છે. આ ઉપરાંત અમેરિકાએ તેની ડેટ લિમિટમાં પણ વારંવાર વધારો કર્યો છે.

LEAVE A REPLY