(ANI Photo)

ભારત સરકારે લેપટોપ, ટેબ્લેટ્સ અને પર્સનલ કમ્પ્યુટર્સની આયાત માટે લાઇસન્સને તાકીદની અસરથી ફરજિયાત બનાવવાનો 3 ઓગસ્ટે નિર્ણય કર્યો હતો. તેનાથી ચીનમાં ઉત્પાદન કરીને ભારતમાં વેચાણ કરતી એપલ, ડેલ, સેમસંગ જેવી કંપનીઓને સ્થાનિક ઉત્પાદન પ્લાન્ટ નાંખવાની ફરજ પડશે. સરકારી ડેટા અનુસાર, ભારતની કુલ વાર્ષિક આયાતમાં લેપટોપ, ટેબ્લેટ અને પર્સનલ કોમ્પ્યુટરનો હિસ્સો લગભગ 1.5% છે, જેમાંથી લગભગ અડધો ભાગ ચીનમાંથી આવે છે.

હાલના નિયમો મુજબ ભારતમાં મુક્તપણે લેપટોપ્સની કંપનીઓ આયાત કરી છે, પરંતુ નવા નિયમ મુજબ વિશેષ લાઇસન્સ લેવું પડશે. ભારતે અગાઉ 2020માં ટીવીની આયાત પર આવા નિયંત્રણો લાદ્યા હતા.

ઇન્ડસ્ટ્રીના એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું હતું કે લાઇસન્સિંગ સિસ્ટમનો અર્થ એ છે દરેક નવા મોડલ માટે લાંબા સમય સુધી રાહ જોવી પડશે.ભારતમાં તહેવારોની સિઝન પહેલા આ નિયંત્રણો મૂકાયા છે. સરકારના નોટિફિકેશનમાં આ પગલા માટે કોઈ કારણ દર્શાવ્યું નથી, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર તેમની “મેક ઇન ઇન્ડિયા” યોજના હેઠળ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે અને આયાત સામે અવરોધ ઊભા કરી રહી છે.

એપલના ઘણા આઇપેડ્સ અને ડેલના લેપટોપ સ્થાનિક રીતે ઉત્પાદિત થવાને બદલે દેશમાં આયાત કરવામાં આવે છે.

ભારતીય બજારમાં વેચાતી મુખ્ય ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ્સમાં એચસીએલ, સેમસંગ, ડેલ, એલજી, એસર, એપલ અને લેનેવો તથા એચપીનો સમાવેશ થાય છે. ભારતે 2022-23માં $5.33 બિલિયનના લેપટોપ સહિત પર્સનલ કોમ્પ્યુટરની આયાત કરી છે. 2021-22માં આ આંકડો $7.37 બિલિયન હતો.

છેલ્લા ક્વાર્ટરમાં (એપ્રિલ-જૂન), ઈલેક્ટ્રોનિક્સ આયાત, જેમાં આ ત્રણ વસ્તુઓનો સમાવેશ થાય છે, કુલ $19.7 બિલિયન હતી. જે ગત વર્ષની સરખામણીએ 6.25 ટકા વધુ છે. જોકે, આ પગલું ડેલ, એસર, સેમસંગ, પેનાસોનિક, એપલ, લેનોવો અને એચપી જેવી કંપનીઓ માટે પડકાર ઉભો કરી શકે છે. આ કંપનીઓ ભારતીય બજારમાં મુખ્ય ખેલાડીઓ છે અને ગ્રાહકોની માંગને પહોંચી વળવા ખાસ કરીને ચીન જેવા દેશોમાંથી આયાત પર આધાર રાખે છે.

 

LEAVE A REPLY

10 − 10 =