શિકાગોના હાઇલેન્ડ પાર્ક ખાતે થયેલા શુટિંગના શકમદ આરોપી રોબર્ટ (બોબ) ઇ ક્રિમો Government/Handout via Reuters

શિકાગોના હાઇલેન્ડ પાર્ક સબર્બમાં સોમવાર, 4 જુલાઈએ ફ્રીડમ ડે પરેડમાં એક ગનમેને કરેલા ફાયરિંગમાં છ લોકોના મોત થયા હતા અને 36થી વધુ ઘાયલ થયા હતા. ગનમેને એક રિટેલ સ્ટોરની છત પરથી પરેડમાં ફાયરિંગ ચાલુ કર્યું હતું અને તેનાથી લોકોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી, એમ પોલીસે જણાવ્યું હતું. અમેરિકા તેનો 246મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે.

આ ઘટનાના થોડા કલાકોમાં પોલીસે જાહેરાત કરી હતી કે તેમણે શકમંદને કસ્ટડીમાં લીધો છે. 22 વર્ષના રોબર્ટ ઇ ક્રિમોએ સત્તાવાળા સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. નિવૃત ડોક્ટર રિચાર્ડ કોફમેને જણાવ્યું હતું કે ફટાકડા ફૂટી રહ્યા હોય તેવું લાગતું હતું. તેમણે આશરે 200 શોટ્સ સાંભળ્યા હતા. ભારે અવ્યવસ્થા ફેલાઈ હતી. લોકો લોહીથી લથબથ હતા.
પોલીસે જણાવ્યું હતું કે હાઇલેન્ડ પાર્કના શૂટિંગ પાછળના ઇરાદાની માહિતી મળી નથી. આ ઘટનામાં પાંચ બાળકોને પણ ઇજા થઈ હતી. સત્તાવાળાએ ઘટનાની જાણકારી ટ્વિટર પર આપતા લોકોને અપીલ કરી કે, તેઓ ઘટનાસ્થળેથી દૂર રહે. પોલીસ અને ઈન્વેસ્ટિગેશન ટીમને તેમનું કામ કરવા દે. ડબલ્યુજીએન ટીવીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, ફાયરિંગમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે, હુમલાખોર કાળા રંગની એસયુવીમાં હોઈ શકે છે. પોલીસે હુમલાખોરને પકડવા માટે વિસ્તારની ઘેરાબંધી હતી. શિકાગો સન-ટાઈમ્સના રિપોર્ટ મુજબ, પરેડ શરૂ થયાના લગભગ 10 મિનિટ પછી ગોળીઓ ચલાવાઈ હતી. તે પછી પરેડને રોકી દેવાઈ હતી. હજારો લોકો જીવ બચાવવા દોડવા લાગ્યા હતા. અમેરિકાની સ્વતંત્રતા દિવસે આ શૂટિંગની ઘટના ચિંતાજનક છે. સ્વતંત્રતાના દિવસે દેશભરના શહેરોમાં આવી પરેડ કાઢવામાં આવતી હોય છે.