બાથ એસેમ્બલી રૂમમાં યોજાયેલી ચૂંટણીમાં નાઝ લેગસી ફાઉન્ડેશનના સહ-સ્થાપક અને ટ્રસ્ટી હેરિસ બોખારી OBE શનિવારે (તા. 5)ના રોજ નેશનલ ટ્રસ્ટ કાઉન્સિલના પ્રથમ મુસ્લિમ સભ્ય તરીકે ચૂંટાયા હતા. કાઉન્સિલમાં ચૂંટાયેલા કોઈપણ નવા સભ્ય તરીકે બોખારીને સૌથી વધુ મત મળ્યા હતા.

45 વર્ષીય બોખારી સોસ્યલ એન્ટ્રપ્રેન્યોર, પબ્લિક એંગેજમેન્ટ એડવાઇઝર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેઓ નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ; રોયલ પાર્ક્સ; અને પ્રિન્સ ટ્રસ્ટ મોઝેક પહેલના બોર્ડમાં સેવા આપે છે. તેઓ બ્રિટિશ એશિયન ટ્રસ્ટના એમ્બેસેડર પણ છે.

બ્રિટનમાં જન્મેલા હેરિસે 2010 માં પેચવર્ક ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી જેથી ઓછા પ્રતિનિધિત્વ ધરાવતા સમુદાયોના રાજકીય અને લોકશાહી જોડાણને પ્રોત્સાહન મળે. તેઓ ક્વીન્સ એવોર્ડ ફોર વોલંટીયરી સર્વિસ કમિટીના સ્વતંત્ર સભ્ય છે. તેમને મહારાણીના 2015ના બર્થડે ઓનર્સ લિસ્ટમાં યુવાન લોકો અને આંતરધર્મ સંબંધોની સેવાઓ માટે OBE એનાયત કરાયો હતો.

બોખારીએ કહ્યું હતું કે “મને કાઉન્સિલના સભ્ય તરીકે નેશનલ ટ્રસ્ટમાં જોડાઈને આનંદ થાય છે. નેશનલ ટ્રસ્ટ એક સાચો રાષ્ટ્રીય ખજાનો છે જે આપણા ઇતિહાસને માણવા, શોધખોળ કરવા અને સમજવાની અપ્રતિમ તકો પૂરી પાડે છે. હું આ તકોને નવા અને વિશાળ પ્રેક્ષકો સુધી પહોંચાડવા માટે મારાથી બનતું તમામ પ્રયાસ કરવા આતુર છું. નેશનલ ટ્રસ્ટ વૈવિધ્યસભર અને મુશ્કેલ સમુદાયો સુધી પહોંચવાનું ચાલુ રાખે તે માટે પ્રયત્ન કરીશ.”

નેશનલ ટ્રસ્ટના સંચાલનમાં કાઉન્સિલ મહત્વની ભૂમિકા ભજવે છે. કાઉન્સિલના સભ્યો ચાવીરૂપ વ્યૂહાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરવા અને ટ્રસ્ટી મંડળને સલાહ આપવા વર્ષમાં ત્રણ વાર મળે છે. તે 36 સભ્યોનું બનેલું છે અને તેઓ ત્રણ વર્ષ સેવા આપે છે.

LEAVE A REPLY

nineteen − eighteen =