ટી20 વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમનું શરૂઆતનું પ્રદર્શન ખરાબ રહેતા આઈસીસી રેન્કિંગમાં પણ તેની નકારાત્મક અસર પડી છે. ઝડપી બોલર જસપ્રિત બુમરાહને બાદ કરતા અન્ય સ્ટાર ખેલાડીઓની રેન્કિંગમાં પીછેહઠ જોવા મળી છે. તાજેતરમાં જ જાહેર થયેલા આઈસીસી મેન્સ ટી20 રેન્કિંગમાં બુમરાહ 10 ક્રમ આગળ વધીને 24મા ક્રમે પહોંચ્યો છે. જ્યારે રોહિત શર્મા એક ક્રમના ફાયદા સાથે 23મા ક્રમે છે. ભારતીય ટીમનો દેખાવ નબળો રહેતા ટી20 રેન્કિંગમાં અન્ય ખેલાડીઓનો દબદબો વધ્યો છે.
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટી20 વર્લ્ડ કપમાં બે અડધી સદી ફટકારતા તે બેટ્સમેનના રેન્કિંગમાં ઈંગ્લેન્ડના ડેવિડ મલાનને પાછળ છોડીને પ્રથમ ક્રમે રહ્યો છે. આઝમ કારકિર્દીમાં છઠ્ઠી વખત પ્રથમ ક્રમે પહોંચ્યો છે. 28 જાન્યુઆરી 2018ના રોજ બાબર આઝમ સૌપ્રથમ વખત ટોચના ક્રમે પહોંચ્યો હતો. આઝમ હાલમાં વન-ડેમાં પણ ટોચનો ક્રમ ધરાવે છે. બાબર ટી20 રેન્કિંગમાં 834 પોઈન્ટ ધરાવે છે અને તે ઈંગ્લેન્ડના બેટ્સમેન મલાન કરતા 36 પોઈન્ટ આગળ છે.
ઈંગ્લેન્ડી ટીમ પણ ટી20 વર્લ્ડ કપમાં એકપણ મેચ હારી નથી. તેના બન્ને ઓપનર જોસ બટલર અને જેસન રોયના રેન્કિંગમાં પણ સુધારો થયો છે. બટલર આઠ ક્રમ વધીને તેની કારકિર્દીના શ્રેષ્ઠ નવમાં સ્થાને રહ્યો છે અને જેસન રોય પાંચ ક્રમ વધીને 14માં સ્થાને રહ્યો હતો. ટી20માં બોલર્સની યાદીમાં શ્રીલંકન બોલર વાહિન્દુ હસારંગા સૌપ્રથમ વખત ટોચના સ્થાને પહોંચ્યો છે. આઈસીસી ટૂર્નામેન્ટમાં તેણે બે વખત ત્રણ વિકેટ ઝડપી હતી. ટોપ ફોર બોલર્સમાં તમામ સ્પિનર્સ રહ્યા હતા. ઈંગ્લેન્ડના આદિલ રશિદે અફઘાનિસ્તાનના રાશિદ ખાનને પાછળ ધકેલી ત્રીજો ક્રમ મેળવ્યો હતો. બીજા ક્રમે આફ્રિકાનો બોલર શામશી રહ્યો હતો. આફ્રિકાના ઝડપી બોલર એનરિચ નોર્ત્જે 18 ક્રમ આગળ વધીને સાતમાં સ્થાને રહ્યો હતો.
ઓલરાઉન્ડર્સમાં મોહમ્મદ નબી અને બાંગ્લાદેશનો શાકિબ-અલ-હસન સંયુક્ત રીતે ટોચના સ્થાને રહ્યા હતા. હસારંગા ચોથા ક્રમે રહ્યો હતો.