ગુજરાતમાં હોટલ અને સ્પાની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને સદંતર બંધ કરાવવા માટે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ વિડિયો કોન્ફરન્સ યોજીને આપેલી સૂચના બાદ ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરના સ્પા સેન્ટર, કોમર્શિયલ બિલ્ડીંગ તથા હોટલ પર દરોડા શરૂ કર્યા હતા. આ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત ગુજરાત પોલીસની અલગ અલગ ટીમો દ્વારા એક જ દિવસમાં ૮૫૧ સ્થળો ઉપર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા.

પોલીસે હાથ ધરેલી કડક કાર્યવાહીમાં રાજ્યભરમાંથી ૧૫૨ આરોપીઓ સામે ગુના દાખલ કરી ૧૦૩ એફઆઈઆર નોંધવામાં આવી છે. ૧૫૨ આરોપીઓ પૈકી ૧૦૫ આરોપીઓની ધરપકડ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા ૨૭ જેટલા સ્પા સેન્ટરો તથા હોટલોના લાયસન્સ રદ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તાજેતરમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી દ્વારા તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વીડીયો કોન્ફરન્સ યોજીને ગેરકાયદે સ્પા અને દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ પર દરોડા પાડવા કડક સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે સમગ્ર રાજ્યમાં આવા શંકાસ્પદ સેન્ટરો પર દરોડા પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હજુ પણ આ કાર્યવાહી ચાલુ રહેશે અને રાજ્યમાં આ પ્રકારની પ્રવૃત્તિઓને સદંતર બંધ કરાવવામાં આવશે.

LEAVE A REPLY

3 × four =